શિયાળુ અધિવેશન પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક

શિયાળુ અધિવેશન પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક
કૃષિ કાયદા, મોંઘવારી અને ચીન સીમા વિવાદની થશે ચર્ચા
વડા પ્રધાન પણ થશે સામેલ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : 29 નવેમ્બરથી શરૂ  થનારા સંસદના શિયાળુ અધિવેશનમાં કૃષિ કાયદા અંગે પારોઠના પગલાં ભરનાર સરકાર સામે વિરોધ પક્ષો આક્રમક બને એવી સંભાવના છે. વિરોધ પક્ષો તેમની માગણીનો નૈતિક વિજય હોવાનું જણાવવાની સાથે અન્ય માગણીઓ અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ખેડૂતોના પાકને ન્યૂનતમ ટેકાનો ભાવ આપવા અંગેનો કાયદો લાવવાની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી ખેડૂતોએ તેમનું આંદોલન પાછું ખેચવાનું નકારી દીધું છે. ઉપરાંત વધતી જતી મોંઘવારી, ઇંધણના ભાવો અને ચીનની કથિત ઘૂસણખોરી પણ સરકારને ઘેરવા માટેના વિરોધ પક્ષોના એજેન્ડામાં છે.
શિયાળુ સત્રની શરૂઆત પહેલાના રવિવારે યોજાનારી સર્વદલીય બેઠકમાં કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના, ટેકાના ભાવ અંગેની ખેડૂતોની માગણીઓ તથા તપાસ એજન્સીઓના વડાઓના કાર્યકાળ વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા છે. સૂત્રએ જણાવ્યું કે, 28 નવેમ્બરે સવારે અગિયાર વાગ્યે યોજાનારી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. એ દિવસે સાંજે ભાજપની સંસદીય કારોબારીની બેઠક યોજાશે. એનડીએની પાર્ટીઓના નેતાઓ બપોરના ત્રણ વાગ્યે મળે એવી શક્યતા છે. સૂત્રએ જણાવ્યું કે, આ બેઠકોમાં મોદી સામેલ થશે.
રાજ્યસભા માટે નેતાઓની બેઠક સાંજ લગભગ પાંચ વાગ્યે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુના નિવાસસ્થાને યોજાશે. લોકસભાના સદનના નેતાઓની બેઠક અધ્યક્ષ દ્વારા આયોજિત કરવામાં આવશે જે 27 નવેમ્બરે યોજાવાની શક્યતા છે.
અધિવેશનમાં મહત્ત્વનું કામ કૃષિ કાયદા પાછા ખેચવાનું હશે, જેને માટે પ્રધાનમંડળ બુધવારે પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. ગયા અઠવાડિયે વડા પ્રધાને કૃષિ કાયદા પાછા ખેચવાની જાહેરાત કરી હતી.
સર્વદલીય બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના વડાના કાર્યકાળના મુદ્દાને પણ ઉઠાવાય એવી શક્યતા છે. આ નિર્ણય વિરુદ્ધ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં તૃણમૂલ કૅંગ્રેસની અપીલ કેન્દ્રના અધ્યાદેશની બંધારણીય કાયદેસરતાને પડકારે છે. એમાં દલીલ કરવામાં આવી છે કે સરકારનો અધ્યાદેશ સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશના વિરુદ્ધમાં છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર તપાસ એજન્સીઓના વડાઓના કાર્યકાળને ઍડ-હોક ધોરણ વધારવાની ફૅશન ચાલી રહી છે, બંધારણીય એજ્સીઓ પર સરકાર નિયંત્રણ રાખવા માગે છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer