ભુવનેશ્વરમાં આજથી જુનિયર હોકી વિશ્વ કપ

ભુવનેશ્વરમાં આજથી જુનિયર હોકી વિશ્વ કપ
ભારત પર ખિતાબ જાળવી રાખવા દબાણ
તા. પાંચ ડિસેમ્બર સુધી વિશ્વની 16 જુનિયર હોકી ટીમ વચ્ચે ટક્કર : આજે ભારત સામે ફ્રાન્સ અને પાક. વિરુધ્ધ જર્મની
ભુવનેશ્વર, તા.23: ભારતીય જૂનિયર હોકી ટીમ ફ્રાંસ વિરૂધ્ધ બુધવારે જૂ. હોકી વિશ્વ કપના પહેલા મુકાબલામાં ઉતરશે તો ખિતાબની રક્ષા કરવા માટે તેમની પ્રેરણા સિનિયર ટીમ હશે. જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય સિનિયર હોકી ટીમે 41 વર્ષના લાંબા ઇંતઝાર બાદ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હવે જૂનિયર હોકી ટીમની નજર ત્રીજા વિશ્વ કપ પર છે. સૌથી ભારતે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં 2001માં જૂનિયર વિશ્વ કપ જીત્યો હતો. આ પછી છેલ્લે 2016માં લખનઉમાં ભારતીય જૂ. ટીમ વિશ્વ વિજેતા બની હતી. આ વખતે 24 નવેમ્બરથી પ ડિસેમ્બર વચ્ચે વિશ્વની 16 જૂ. હોકી ટીમ વચ્ચે ટક્કર થશે.
સિનિયર હોકી ટીમમાં જગ્યા બનાવવા માટે જૂનિયર હોકી વિશ્વ કપ મહત્ત્વની ટૂર્નામેન્ટ છે. જૂ. વિશ્વ કપ-2016ની ટીમમાં સામેલ ટોકયો ઓલિમ્પિકમાં રમ્યા હતા. હવે આ વખતે વિવેક સાગર પ્રસાદના સુકાનીપદ હેઠળની જૂ. ભારતીય હોકી ટીમ પસંદગીકારોનું ધ્યાન ખેંચવા માંગશે.
જૂ. વર્લ્ડ કપ હોકીમાં ભારત પૂલ બીમાં ફ્રાંસ, કેનેડા અને પોલેન્ડ સાથે છે. પૂલ એમાં બેલ્જિયમ, મલેશિયા, ચિલી અને દ. આફ્રિકાની ટીમ છે. જયારે પૂલ સીમાં સ્પેન, કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડસની ટીમ છે. પૂલ ડીમાં પાકિસ્તાન, જર્મની, ઇજીપ્ત અને આર્જેન્ટિના છે. દરેક પૂલની બે ટોચની ટીમ કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. બેલ્જિયમ, જર્મની અને નેધરલેન્ડસ સાથે ભારતીય ટીમ ખિતાબના પ્રબળ દાવેદારમાં સામેલ છે. ઇંગ્લેન્ડની ટીમ કોરોના સંબંધી સમસ્યાને લીધે ટૂર્નામેન્ટમાંથી હટી ગઇ છે.
જૂ. હોકી વિશ્વ કપમાં અત્યાર સુધી જર્મની છ વખત અને ભારત બે વખત ચેમ્પિયન થયું છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને એક-એક વખત ખિતાબ કબજે કર્યાં છે.
ભારતીય ટીમ આવતીકાલ બુધવારે ફ્રાંસ સામે રમ્યા પછી 25 નવેમ્બરે કેનેડા વિરૂધ્ધ અને 27મીએ પોલેન્ડ સામે ટકરાશે. પહેલા દિવસે બેલ્જિયમનો સામનો દ. આફ્રિકા સામે, મલેશિયા અને ચીલીની પણ ટક્કર થશે. આ ઉપરાંત જર્મની-પાકિસ્તાન અને કેનેડા-ચીલીના મેચ પણ રમાશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer