આવતી કાલથી શરૂ થતી ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ

આવતી કાલથી શરૂ થતી ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ
કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારતીય ટીમ છેલ્લાં 38 વર્ષથી હારી નથી
કાનપુર, તા.23: ટી-20 સિરીઝમાં 3-0થી કલીન સ્વીપ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પહેલાં ટેસ્ટમાં ગુરુવારથી ન્યુઝિલેન્ડ સામે હશે. આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ પછી બન્ને ટીમ પહેલીવાર ટેસ્ટ ફોર્મેટમાં આમને-સામને હશે ત્યારે વરસાદગ્રસ્ત છ દિવસીય ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હાર સહન કરવી પડી હતી. આથી ભારત પાસે કાનપુરમાં હિસાબ ચૂકતે કરવાનો મોકો હશે. ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ જોરદાર છે. આથી ટીમ ઇન્ડિયા ફેવરિટ તરીકે મેદાને પડશે. અહીં પાછલા 38 વર્ષથી ભારતીય ટીમ એક પણ ટેસ્ટ હારી નથી.
ભારતીય ટીમે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 22 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં સાતમાં જીત અને ત્રણમાં હાર મળી છે જ્યારે 12 મેચ ડ્રો રહ્યા છે. ટીમ ઇન્ડિયાને અહીં છેલ્લે 1983માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ હાર મળી હતી. એ પછી ટીમ ઇન્ડિયા અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. જેમાં પાંચમાં જીત અને ત્રણ મુકાબલા ડ્રો રહ્યા છે. ભારતીય ટીમ પાછલા ત્રણેય ટેસ્ટમાં અહીં જીત મેળવી ચૂકી છે. આથી જીતનો ચોક્કો લગાવવાની તક રહેશે. 2008માં અહીં દ. આફ્રિકાને 8 વિકેટે, 2009માં શ્રીલંકાને એક દાવ અને 144 રને અને 2016માં ન્યુઝિલેન્ડને 197 રને હાર આપી હતી. 
અશ્વિન માટે ગ્રીનપાર્ક સ્ટેડિયમ ફેવરિટ છે. છેલ્લે તેણે અહીં 2016માં કિવિઝ સામે મેચમાં 10 વિકેટ લીધી હતી. આ વખતે પણ ભારત માટે અશ્વિન હુકમનો એક્કો બની રહેશે તેવી પૂરી સંભાવના છે.
હેડ ટુ હેડ
ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 60 ટેસ્ટ મેચમાં ટક્કર થઈ છે. જેમાં ભારતનો 21 મેચમાં અને ન્યુઝિલેન્ડનો 13 મેચમાં વિજય નોંધાયો છે. 26 ટેસ્ટ મેચ ડ્રો રહ્યા છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer