સીએમએઆઈ દ્વારા આર્બિટ્રેશન સેલની રચના

ગાર્મેન્ટ ઉદ્યોગની ફસાયેલી રૂા. 6500 કરોડની ઉઘરાણીની સમસ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ધી કલોધિંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)એ ગાર્મેન્ટ વેપાર-ઉદ્યોગની ફસાયેલી ઉઘરાણીની સમસ્યાના હલ માટે `સીએમએઆઈ આર્બિટ્રેશન સેલ'ની સ્થાપના કરી છે. આથી સીએમએઆઈના આર્બિટ્રેશન ચુકાદાને કાનૂની ટેકો મળી રહેશે. અત્યાર સુધી વર્ષોથી સીએમએઆઈ તેના સભ્યોને સુલેહ-સમાધાન અને મધ્યસ્થીની સેવા આપતું રહ્યું છે.
સીએમએઆઈએમાં આજે અહીં આયોજિત સેમિનારમાં સભ્યોને આર્બિટ્રેશનની પ્રોસેસ, નિયમો અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા.
ભારતીય સ્થાનિક ગાર્મેન્ટ માર્કેટનું કદ રૂા. 6.5 લાખ કરોડનું છે. આમાં વિવાદીત, વિલંબિત કે નકારાયેલી ઉઘરાણીનું પ્રમાણ એક ટકો પણ ગણીએ તો ફસાયેલી ઉઘરાણીની રકમ રૂા. 6500 કરોડ જેટલી થઈ જાય છે. આપખુદ રીતે માલો પાછા મોકલવાની, ચુકવણી વેળા મનસ્વીપણે અમુક રકમ કાપી લેવાની કે નાના નાના એકમોની લાચારીનો લાભ ઉઠાવી ચુકવણી સમયસર ન કરવાની વૃત્તિ વધતી જાય છે. આ મુશ્કેલ સમયમાં ઉઘરાણીની રિકવરી માથાનો દુખાવો બની જાય છે. નાના કમર્શિયલ ગુનાઓ માટે કોર્ટે ચડવાનું સમય અને નાણાંની રીતે કોઈને પરવડતું નથી. આથી ઘણા લોકો કોર્ટમાં કેસ કરવાનું ટાળે છે. આની સામે આર્બિટ્રેશન (લવાદ)એ આર્બિટલ ટ્રિબ્યુનલ મારફત પક્ષકારો વચ્ચેની ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (એડીઆર) પ્રોસેસ છે. આ પ્રક્રિયા ઓછી ખર્ચાળ, ઝડપી અને સલામત હોવા ઉપરાંત તે પક્ષકારોને ગુપ્તતાપણું પૂરું પાડે છે.
સીએમએઆઈએ ઉદ્યોગના ધારાધોરણોને ધ્યાનમાં રાખીને તથા તમામ હિતધારકોને ત્વરિત ન્યાય મળી શકે એ ધ્યાનમાં રાખી આર્બિટ્રેશન રૂલ્સ અને રેગ્યુલેશન્સ ઘડયા છે. સમારોહમાં યુકે આર્બિટ્રેટર્સના ફેલો અને વકીલ શૌનક ઠક્કરે આર્બિટ્રેશન પ્રોસેસની ઉપયોગિતા સમજાવી હતી.
સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદે તેના સભ્યોને કહ્યું હતું કે સીએમએઆઈની આર્બિટ્રેટર્સની પેનલમાં ઉદ્યોગની ખ્યાતનામ અગ્રણી હસ્તીઓ, કાનૂની વિશારદો, ઊંચી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને દેશભરના અન્ય ટ્રેડ એસોસિયેશનોના અમુક સભ્યોનો સમાવેશ કરાશે.
સીએમએઆઈ આર્બિટ્રેશન રૂલ્સ અને રેગ્યુલેશન અંગેની બુકનું સીએમએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અશોક રાજાણી અને અન્ય મહાનુભાવોએ વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે સીએમએઆઈએ તેમનું સીએમએઆઈ મેમ્બરશિપ કાર્ડ લોન્ચ કર્યું હતું. આથી સીએમએઆઈ સભ્યને 25 ટોપ બ્રાન્ડસ તરફથી અને દેશના રિટેલરો તરફથી ડિસ્કાઉન્ટ અને સંખ્યાબંધ લાભો મળી રહેશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer