વૉન્ટેડ પરમબીરના ફ્લેટના દરવાજે નોટિસ ચોંટાડાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ભાગેડૂ જાહેર કરતા અસ્પ્લેનેડ કોર્ટના તાજેતરના ચૂકાદા બાદ મુંબઈ પોલીસે મંગળવારે તેમના જુહુસ્થિત બંધ ફ્લેટના દરવાજા પર વોન્ટેડની નોટિસ ચોંટાડી હતી. ગયા બુધવારે કોર્ટે પરમબીર સિંહને ભાગેડૂ જાહેર કરવાની મુંબઈ પોલીસની અરજીને માન્ય રાખી હતી. 
કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસ પરમબીરને 30 દિવસમાં હાજર થવાની સૂચના આપતી નોટિસ તેમના જાણીતા સરનામે કાયદેસર રીતે ચોંટાડવી પડે અને છાપામાં પણ જાહેરખબર આપવી પડે. જો તેઓ 30 દિવસમાં હાજર નહીં થાય તો તેમની સંપતિ જપ્ત કરવાની કાર્યવાહીનો પોલીસ પ્રારંભ કરશે. આ પ્રોપર્ટીનું બાદમાં લિલામ કરાશે. 
પરમબીર સામે મુંબઈની બે અને થાણેની એક મેજિસ્ટ્રેટ કોર્ટે બિન-જામીનપાત્ર વૉરન્ટ ઈસ્યુ કર્યા છે જ્યારે રાજ્ય સરકારે નીમેલા તપાસ પંચે પણ તેમની સામે જામીનપાત્ર વૉરન્ટ ઈસ્યુ કર્યું છે. પરમબીર સિંહની ભાળ મળતી ન હોવાથી પોલીસે તેમને ભાગેડૂ જાહેર કરવા માટે પોલીસે  એસ્પ્લેનેડ કોર્ટમાં અરજી કરી હતી. 
આ અઠવાડિયે પરમબીર સિંહના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મારા અસીલ દેશમાં જ છે અને તેઓ વિદેશ ભાગી ગયા નથી. કોર્ટે મુંબઈ પોલીસને તેમની ધરપકડ નહી કરવાની સૂચના આપી છે અને પરમબીર સિંહને તપાસ સંસ્થા સમક્ષ હાજર થવાનું પણ કહ્યું છે. પરમબીરના વકીલે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું હતું કે મારા અસીલ 48 કલાકની અંદર સીબીઆઈ સમક્ષ હાજર થઈ શકે છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer