નિયમોના ભંગ માટે મુંબઈ ફાયર બિગ્રેડે 90 બિલ્ડિંગોને નોટિસ ફટકારી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : શહેરમાં આગના બનાવો પર અંકુશ લગાવવાના પ્રયાસરૂપે મુંબઈ ફાયર બિગ્રેડ (એમએફબી) એ આગ સુરક્ષાને લગતા નિયમોનો ભંગ કરવા બદલ 90 ઇમારતોને નોટિસ મોકલી હતી. છેલ્લાં બે સપ્તાહમાં આ નોટિસો પાઠવવામાં આવી હતી.
એમએફબીએ અધિકારીઓની એક ખાસ ટુકડી તહેનાત કરી છે જે વોર્ડસ્તરે નિયમિત રીતે બિલ્ડિંગોની મુલાકાત લે છે. છેલ્લા એકાદ મહિનામાં મુંબઈમાં આગના અનેક બનાવો બનતાં મુંબઈમાં આ આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
હવે એમએફબી એવી ખાતરી કરવા માગે છે કે શહેરની તમામ ઇમારતો આગ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરે અને તેમની ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત્ રહેવી જોઇએ.
આ અધિકારીઓ એ વાત જાણીને ચોંકી ગયા હતા કે ઘણી ઇમારતોમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ ખામીવાળી હતી તો કેટલીક જગ્યાએ પાણીના પાઇપની ગુણવત્તા કંગાળ હતી તો ક્યાંક ફાયર સિસ્ટમની યોગ્ય જાળવણી કરવામાં આવી નહોતી.
મહારાષ્ટ્ર ફાયર ઍક્ટ મુજબ પ્રત્યેક હાઉસિંગ સોસાયટીને તેમની ફાયર ફાઇટિંગ સિસ્ટમની ખામી સુધારવા કે સમારકામ કરવા 120 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સોસાયટીઓ 30 દિવસની અંદર આ કામ ચાલુ નહીં કરે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer