યુટીએસ ઍપ પરથી લોકલની ટિકિટનું વેચાણ આજથી શરૂ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : રેલવે મુસાફરો બુધવારથી (આજથી) યુટીએસ મોબાઈલ ઍપ પરથી લોકલ ટ્રેનની ટિકિટ ખરીદી શકશે. 
આ મોબાઈલ ઍપથી ટિકિટ ખરીદનાર મુસાફરે રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ એ ચકાસવાની કોઈ યંત્રણા ઉપલબ્ધ ન હોવાથી આ ઍપ પરથી ટિકિટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. 
હવે રેલવેએ રાજ્ય સરકાર દ્વારા ઇસ્યૂ કરાતા યુનિવર્સલ પાસ સાથે યુટીએસ મોબાઈલ ઍપને સાંકળી લીધી હોવાથી એના પરથી ટિકિટ વેચાણ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. એટલે જેમણે રસીના બન્ને ડૉઝ લીધા હશે અને જેમનો રસીના બીજા ડૉઝ બાદ 14 દિવસનો ગાળો પૂરો થયો હશે એવા જ પ્રવાસીઓ આ ઍપથી ટિકિટ ડાઉનલોડ કરી શકશે. 
સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર કુમાર લાહોટીએ કહ્યું હતું કે એન્ડ્રોઈડ ફોન માટે આ ઍપ ઉપલબ્ધ છે, પણ આઈ ફોન પર ઍપનો શુભારંભ મંગળવારે મોડી રાતથી થશે. એટલે બુધવાર સવારથી આ ઍપ પરથી ટિકિટ મેળવી શકાશે. 
મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં રોજ સરેરાશ 25 અને વેસ્ટર્ન રેલવેમાં રોજ સરેરાશ 15 લાખ મુસાફરો સફર કરે છે. અૉગસ્ટથી રસીના બન્ને ડૉઝ લેનારાઓને લોકલમાં સફર કરવાની છૂટ આપવામાં આવી હતી. એક નવેમ્બરથી બન્ને રેલવેમાં રોજ સરેરાશ બે લાખ ટિકિટોનું વેચાણ થાય છે. યુટીએસ ઍપ બંધ હોવાથી ટિકિટબારીઓ પર લાંબી લાઈન જોવા મળતી હતી, પણ આજથી ટિકિટ બારી પરનો ધસારો ઘટે એવી શક્યતા છે.
આ ઍપ વડે દૈનિક ટિકિટ અને સિઝન પાસ ખરીદી શકાશે. સિઝન પાસને રિન્યુ પણ કરી શકાશે. આ સુવિધા 24મી નવેમ્બરથી ઍન્ડ્રોઇડ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ ઍપ સ્ટોર ઉપર ઉપલબ્ધ થશે. જે પ્રવાસીઓએ અગાઉ જ યુટીએસ મોબાઇલ ઍપ ડાઉનલોડ કર્યો છે. તેઓએ નવા ઉપયોગ માટે સક્રિય કરવા ઍપને અપડેટ કરવો પડશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer