દક્ષિણના ચાર રાજ્યમાં મેઘતાંડવ

આંધ્ર-કર્ણાટકમાં 57 મોત : નેશનલ હાઈવેનો હિસ્સો તૂટયો: રેલ વ્યવહાર પણ બાધિત
નવી દિલ્હી, તા. 23 : ઉત્તર ભારત અત્યારે મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યું છે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદે ગાંડોતૂર બનીને કેર વરસાવ્યો છે. ચાર રાજ્ય આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં અનેક જિલ્લાઓમાં ઘોડાપૂરથી સ્થિતિ વણસી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આંધ્ર અને કર્ણાટકમાં વરસાદને કારણે 57નાં મોત થયાં હતાં.
આંધ્રપ્રદેશમાં વરસાદના પ્રકોપથી અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત નિપજ્યાં છે. પેન્ના નદીમાં પૂરથી નેશનલ હાઈવે-16નો એક હિસ્સો તૂટી પડયો હતો. આ માર્ગ ચેન્નાઈને કોલકાતાથી જોડે છે. રેલમાર્ગ પ્રભાવિત થવાને કારણે 100થી વધુ ટ્રેન રદ કરવી પડી હતી. ચિત્તૂર, કડપા, નેલ્લોર અને અનંતપુર જિલ્લાના 1366 ગામ પૂરથી ઘેરાયાં હતાં.
કર્ણાટકમાં બેંગ્લોરના પૂર્વી વિસ્તારમાં રવિવાર રાત્રે વરસેલા વરસાદે હાલાકી સર્જી હતી. તામિલનાડુમાં આ વર્ષે સામાન્યથી 65 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ચેન્નાઈના માર્ગો પર હાલમાં નૌકાઓ ફરી રહી છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer