મુંબઈમાં ફ્લૅટ ખરીદદારોની ખર્ચ શક્તિ 55 ટકા ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : કોરોનાકાળમાં બાંધકામ વ્યવસાયને ખાસ્સો માર પડયો હતો, પણ એ કાળ હવે પૂરો થઈ ગયો છે અને આ વ્યવસાય હવે બેઠો થઈ રહ્યો છે. દેશની રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીનું મૂલ્ય અત્યારે 200 અબજ ડૉલરનું છે અને 2025 સુધીમા એ મુલ્ય વધીને 650 અબજ ડૉલરનું થઈ જાય એવી અપેક્ષા છે. સપ્ટેમ્બર, 2021ના ત્રિમાસિક ગાળામાં બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી એનસીઆરમાં પ્રોપર્ટી માર્કેટમાં તેજી જોવા મળી હતી, પણ મુંબઈમા રિયલ એસ્ટેટ માર્કેટ ધીરે ધીરે થાળે પડી રહ્યું હોવાનું લાગે છે. 
ઈન્ફોમેરિક્સ વેલ્યુએશન ઍન્ડ રાટિંગ નામની કંપનીએ બહાર પાડેલા એક રિપોર્ટમાં ઉક્ત માહિતી આપવામાં આવી છે. 
રિપાર્ટમાં જણાવાયું છે કે ભાવિ ફ્લૅટ ખરીદદારો આવતા ત્રણ મહિનામાં ફ્લૅટ ખરીદશે એવું રાષ્ટ્રીય ચિત્ર છે, પણ મુંબઈનું ચિત્ર સહેજ વિપરિત છે. મુંબઈમાં લોકોની ખર્ચ કરવાની તાકાતમાં પંચાવન ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આમ તો દેશભરમાં લોકોની ખર્ચશક્તિ ઘટી છે, પણ મુંબઈમાં એનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. 
દેશમા કમર્શિયલ પ્રોપર્ટીમા રોકાણમાં વધારો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. સપ્ટેમ્બર, 2021ના ત્રિમાસિક ગાળામાં બેંગ્લોર, ચેન્નઈ અને દિલ્હી એનસીઆરમાં અૉફિસની જગ્યાઓનું જંગી વેચાણ થયું હતું. આ ગાળામા ઈન્ફર્મેશન ટેકનૉલૉજી ઈન્ડસ્ટ્રીએ આ વેચાણમાની સૌથી વધુ એટલે કે 34 ટકા જગ્યા ખરીદી હતી. 
ભાડાની ઓફિસ જગ્યાની વાત કરીએ તો મુંબઈમા 2021માં બીજા ત્રિમાસીક ગાળામાં 14.5 લાખ ચોરસ ફૂટ જગ્યાના સોદા પાર પડયા હતા, જે પહેલા ત્રિમાસિક ગાળા કરતા ઓછી જગ્યા હતી. પહેલા ત્રિમાસિક ગાળામાં 29.6 લાખ ચોરસ ફૂટ જગ્યા ભાડા પર ગઈ હતી.   
ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો લેટેસ્ટ ત્રિમાસિક ગાળામાં દેશમાની મોટી રિયલ એસ્ટેટ બજારોમાં 39 ટકા સોદા વધ્યા હતા. રિયલ એસ્ટેટને બેઠું કરવામાં સરકાર પણ સાથ આપી રહી છે. એણે લોકોને પોસાય એવી આવાસ યોજના બનાવી છે, ખાનગી-સરકારી બૅન્કો પણ આકર્ષક વ્યાજના દરે હોમલોન આપતી થઈ ગઈ છે અને એ ઉપરાંત હોઉસિંગ લોન પર કર કપાતનો લાભ પણ લોકોને આપવામાં આવી રહ્યો છે. 
રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં 2051 સુધીમાં 88 કરોડ લોકો શહેરોમાં વસતા થઈ ગયા હશે. એ ઉપરાંત 58 ટકા લોકો પ્રેપર્ટીમા મૂડી રોકાણને સલામત સમજે છે અને જેમ જેમ કોરાના ઓસરતો જશે, એમ એમ રિયલ એસ્ટેટ માર્કેટ તેજી તરફ પ્રયાણ કરતું થશે. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer