યુરોપ કોરોનાનું એપિસેન્ટર

નિયંત્રણો સામે પ્રજાનો તોફાની વિરોધ
નવીદિલ્હી, તા.23: યુરોપ અત્યારે બેવડી મુશ્કેલીમાં ઘેરાઈ ગયું છે. એકબાજુ કોરોનાના કેસમાં આવેલા ચિંતાજનક ઉછાળાએ યુરોપને દુનિયાનું કોવિડ હોટસ્પોટ બનાવી દીધું છે. બીજીબાજુ તેને રોકવા માટે ફરીથી નિયંત્રણોમાં કેદ થવા માટે જનતા તૈયાર નથી અને પાબંદીઓ સામે વિરોધ પ્રદર્શનથી લઈને તોફાની હિંસા પણ થવા લાગી છે.
ગત અઠવાડિયે ડબલ્યુએચઓએ જણાવ્યું કે, હાલના સમયમાં યુરોપ એ મહામારીનું હોટ સ્પોટ છે અને હાલના સમયમાં યુરોપમાં કોરોનાના મૃત્યુ આંકમાં વધારો નોંધાયો છે. દુનિયામાં સૌથી વધારે વેક્સિનેશન યુરોપના દેશોમાં થયું છે, તેમ છતાં અહીં ફરીથી કોરોનાએ માથું ઉંચકતાં ચિંતાનાં વાદળો છવાઈ ગયાં છે અને કેસો વધવાની સાથે પ્રતિબંધો લગાવવામાં આવતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમુક દેશોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે અને યુરોપના અમુક શહેરોમાં એન્ટી વેક્સિનેશન માર્ચ પણ કાઢવામાં આવી રહ્યા છે. 
ફ્રાન્સમાં એક જ અઠવાડિયામાં કોરોનાનાં કેસોમાં 81 ટકાનો ઉછાળો આવ્યો છે. જર્મનીમાં સાત દિવસના કોરોના સંક્રમણનો દર મહામારી શરૂ થયાના સમયથી સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, રવિવારે સતત 14માં દિવસે આ રેટ 372.7 ટકા નોંધાયો હતો. 
કોરોનાના વાયરસનાં સંક્રમણને ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયામાં સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને 20 દિવસ સુધી લોકડાઉન લાગુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પશ્ચિમ યુરોપમાં ઓસ્ટ્રિયામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. કોરોનાના કેસો વધવાને કારણે  ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, પણ ગત વખત કરતાં આ વખતે લોકો આ પ્રતિબંધોનો ભારે વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનોમાં વેક્સિનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બ્રસેલ્સમાં કોરોનાના પ્રતિબંધોના વિરોધમાં 35 હજારથી વધુ લોકો જોડાયા હતા.
પ્રદર્શનકારીઓએ આગચંપી કરી હતી અને સાથે સાથે પોલીસ વાન ઉપર પણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત ડચ શહેરોમાં પણ હિંસક દેખાવો યોજાયા હતા. ગ્રોનિન્જન અને લિયુવોર્ડનમાં પ્રદર્શનકારીઓ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી અને સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગત શુક્રવારની રાત્રે રોટરડેમમાં સ્થિતિ બેકાબૂ બની હતી.
ઓસ્ટ્રિયાના લિંઝ શહેરમાં આંશિક લોકડાઉનના વિરોધમાં અંદાજે 6000 લોકો એકઠા થયા હતા. જેના એક દિવસ અગાઉ વિયેના શહેરમાં 40 હજાર લોકોએ પ્રદર્શન કર્યું હતું.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer