સયાજી નગરીમાંથી અકસ્માતે પડી ગયેલી પરિણીતાનું અવસાન

સયાજી નગરીમાંથી અકસ્માતે પડી ગયેલી પરિણીતાનું અવસાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ગઈકાલે સયાજી નગરી એક્સપ્રેસમાંથી પડી જવાથી ગંભીર ઇજા પામેલાં બીજલ વિશાલ વીરાનું આજે સવારે ભાઇંદરની એક ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું હતું.
તેમના નિકટના સંબંધી જયેશ હરિયાએ આ માહિતી આપતાં જણાવ્યું કે 35 વર્ષીય બીજલ વીરા કચ્છથી સયાજી નગરી ટ્રેનમાં પાછા ફર્યાં હતાં. નજીક સગાસંબંધીઓ સાથે એસ-3 કૉચમાં હતાં. તેમને ગરમી થતી હતી અને બીપીની તકલીફ થતાં કૉચનો દરવાજો પકડીને ઊભા હતાં. ભાઇંદર છોડયા પછી અચાનક ડબ્બાની બહાર પડી ગયાં હતાં. બાજુમાં ઊભેલા લોકોએ તેમને પકડી લેવાની કોશિશ કરી હતી પણ ટ્રેન ચાલતી હોવાથી સફળ થયા ન હતા.
બીજલબેન પર એમઆરઆઈ, સીટી સ્કેન અને બીજી તપાસ કરાઈ હતી. આજે સવારે અૉપરેશન થવાનું હતું. માથું, કોણી અને બંને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. રેલવેના અધિકારીઓએ જ તેમને અકસ્માત પછી બપોરે જ હૉસ્પિટલમાં ખસેડયા હતા. અૉપરેશન માટે લઈ ગયાં પણ અૉપરેશન કરી શકાયું નહોતું. તેઓ કચ્છમાં દેવપુરના વતની છે અને  મીરા રોડ ઇસ્ટમાં શાંતિનગરમાં એ/7 પ્રેમકિરણ બિલ્ડિંગમાં રહેતાં હતાં. પતિ વિશાલ લક્ષ્મીચંદ વીરાનું થાણામાં કામકાજ છે. પરિવારમાં 10 વર્ષની પુત્રી દિયા છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer