મમતા બેનરજી અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક થશે?

મમતા બેનરજી અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક થશે?
બંને પક્ષ તરફથી મૌન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.23 : તૃણમૂલ કૉંગ્રેસમાં અન્ય પક્ષના કાર્યકર્તાઓના સ્વાગતમાં વ્યસ્ત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાબતે બંને પાર્ટીઓએ મૌન સેવ્યું છે. સોનિયા ગાંધી અને મમતા બેનરજી વચ્ચે મુલાકાત કોઇપણ સમયે થાય તો ગોવામાં તૃણમૂલ કૉંગ્રેસ પક્ષ ઉપર થયેલા આક્ષેપોનો મહદઅંશે અંત આવી શકે એમ છે અને ચાલી રહેલા વિવાદ ઉપર પૂર્ણ વિરામ મૂકાઇ શકે એમ છે. 
આ અંગે કૉંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ મંગળવારે જણાવ્યું હતું કે ટીએમસી કે મમતા બેનરજી તરફથી મુલાકાતના કોઇપણ સંકેત દેખાતા નથી. છેલ્લે મમતા બેનરજી દિલ્હી આવ્યા ત્યારે સોનિયા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને વિરોધ પક્ષની એકતા દર્શાવી હતી. 
હાલના મહિનાઓમાં ટીએમસી અને કૉંગ્રેસમાં ભંગાણના સંકેતો મળ્યા હતા જ્યારે ગોવાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો પક્ષ પલટો કરીને તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થયા હતા. યુવા કૉંગ્રેસ નેતા સુષ્મિતા દેબ, પીઢ કૉંગ્રેસી નેતા ફલેરો તૃણમુલ કૉંગ્રેસમાં જોડાયા હતા. ફલેરો ત્યારબાદ રાજ્યસભાના સભ્યનું પદ મેળવ્યું હતું. 
 29મી નવેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ અધિવેશન અગાઉ વિપક્ષોની બેઠક થવી જરૂરી છે. પરંતુ તૃણમૂલ અને કૉંગ્રેસ વચ્ચે જો બેઠક નહીં થાય તો સરકારને ઘેરવાની રણનીતિ નક્કી નહીં થાય. બંને પક્ષના ઘર્ષણમાં વિપક્ષો અટવાઇ પડયા હોવાના સંકેત છે. 
ટીએમસીના સર્વેસર્વા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સોમવાર સાંજ સુધીમાં સોનિયા ગાંધી સાથેની પોતાની મુલાકાત બાબતે મૌન સેવ્યું હતું. બંને વરિષ્ઠ મહિલા નેતાઓની મુલાકાત બાબતે બંને પક્ષના કાર્યાલયોને કોઇપણ પ્રકારની જાણકારી નથી. નવી દિલ્હીમાં ત્રણ દિવસની મુલાકાત દરમિયાન બેનરજી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય પક્ષના નેતાઓની મુલાકાત લેવાના છે, જેમાં કૉંગ્રેસના સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ નથી. 
ગોવામાં થયેલી ચૂંટણી બાદ તૃણમૂલ કૉંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે પોતાની વગ વધારવાનો નિર્ણય લીધો છે. કૉંગ્રેસ અને તૃણમૂલમાં ચાલી રહેલો તણાવ વિપક્ષનો ચિંતાનો વિષય બની ગયો છે. ગાંધી અને બેનરજીના સંબંધો હંમેશા સુમેળભર્યા રહ્યા છે. ગોવામાં થયેલી ચૂંટણી બાદ બંને પક્ષોમાં અંતર વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પહેલી નવેમ્બરે કોલકાતામાં થયેલી રેલી દરમિયાન મમતા બેનરજીએ કૉંગ્રેસ વિરુદ્ધ ભાષણ કરી ભાજપ સાથે તેણે સમાધાન કર્યું હોવાની વાત જણાવી હતી. કૉંગ્રેસ જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી કોઇપણ મુદ્દાનો વિરોધ કેમ કરતી નથી? તેઓ સમાધાન કરી શકે છે પરંતુ અમે કોઇપણ પક્ષ સાથે સમાધાન કરવાના મૂડમાં નથી. કોંગ્રેસ વગર અમે અન્ય રાજ્યોમાં પણ જીત હાંસલ કરી શકીએ છીએ. કોંગ્રેસ ઉપર નિર્ભર રહેવાનું મુશ્કેલ છે. 
એના વળતા જવાબમાં કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં કોઇપણ પક્ષ કયાંય પણ ચૂંટણી લડી શકે છે. ગોવામાં તૃણમૂલ ભાજપને મદદરૂપ થાય એ રીતે ચૂંટણી નહીં લડે એવી અમને અપેક્ષા છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer