ભારત ગૌરવ ટ્રેનોનું એલાન

ભારત ગૌરવ ટ્રેનોનું એલાન
180 ટ્રેન અને 3033 કોચ દેશનાં ઐતિહાસિક અને પર્યટન સ્થળોની સફર કરાવશે, ખાનગી કંપનીઓને નિમંત્રણ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે ભારત ગૌરવ ટ્રેનોની યોજના જાહેર કરી હતી. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ટ્રેનોની જાળવણી, પાર્કિંગ અને અન્ય સુવિધાઓમાં રેલવે મદદ કરશે અને તેનું ભાડું ટૂર અૉપરેટરો અને સંચાલક ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરાશે. ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતોની થીમ આધારિત આ ટ્રેન સર્વિસમાં પ્રવાસીઓ દેશનાં ઐતિહાસિક અને પર્યટન સ્થળો સુધી સુવિધાજનક પ્રવાસનો આનંદ ઉઠાવી શકશે. રેલવે 180 રેક (ટ્રેનો) અને 3033 કોચ આ ટ્રેનો માટે ફાળવશે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે ભારતીય રેલવે અત્યાર સુધી લાંબા અંતરની નિયમિત પ્રવાસી ટ્રેનો અને માલગાડીઓની સર્વિસ આપતી આવી છે અને હવે આ ત્રીજા ક્ષેત્રની ટ્રેનો માટે પહેલ કરવા સજ્જ છે. આ નવું ક્ષેત્ર છે અને તેમાં દોડાવનારી ટ્રેનો નિયમિત ટ્રેન સેવા શ્રેણીમાં નથી. ભારત ગૌરવ ટ્રેનોનો ઉદ્દેશ દેશના પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે અને તેનું સંચાલન ખાનગી ક્ષેત્ર અને આઈઆરસીટીસી બન્ને મળીને કરશે. આ નવી ટ્રેનોના સંચાલન માટેના આવેદનની પ્રક્રિયા આજથી જ શરૂ કરવામાં આવી છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. સંચાલકો અને ભાગીદારો આ ટ્રેનોમાં માળખાકીય પરિવર્તન પણ કરી શકશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer