સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની દરખાસ્ત

સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની દરખાસ્ત
પ્રધાનોનું જૂથ શનિવારની માટિંગમાં નિર્ણય લેશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, અમદાવાદ, રાજકોટ, તા. 23 : સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની જીએસટી ફિટમેન્ટ કમિટીની ભલામણ વિધિવત અમલમાં આવે તે પહેલા દેશભરના જવેલર્સમાં હાહાકાર મચી ગયો છે.  
જનસામાન્ય વપરાશ પરની ચીજો- ટેક્સ્ટાઇલ, તૈયાર વસ્ત્રો અને પગરખાં પરનો જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા આવતી 1 જાન્યુઆરીથી કરવામાં આવશે અને હવે મોટા પાયે રોજગારીનું નિર્માણ કરતા જવેલરી ઉદ્યોગ ઉપરનો જીએસટી વધારવાની દરખાસ્ત આવી છે.  
કમિટીની આ ભલામણ હજી પ્રાથમિક તબક્કામાં છે. તેના ઉપર પ્રધાનોનું જૂથ (ગ્રુપ અૉફ મિનિસ્ટર્સ)  27મીના શનિવારે મળનારી માટિંગમાં ચર્ચા કરશે. તેઓ જે નક્કી કરે તેની ભલામણ જીએસટી કાઉન્સિલને મોકલશે અને કાઉન્સિલ તેની સંભવત: ડિસેમ્બરમાં મળનારી માટિંગમાં આ દરખાસ્ત વિધિવત રજૂ કરશે. 
જીએસટી માળખામાં સુતાર્કિકરણ કરવાના નામે કમિટીએ આ ઉપરાંત 12 ટકા અને 18 ટકાના જીએસટી દરને ભેળવીને 17 ટકાનો  દર લાગુ પાડવાની અને કોમ્પેનસેશન દર એક ટકાથી વધારીને 1.5 ટકા કરવાની ભલામણ કરી છે. અત્યારે ઉપલબ્ધ એકસઝમ્પશન્સના દર અને તેની સંખ્યા ઘટાડવાની પણ દરખાસ્ત છે. સરકારનું માનવું છે કે, કર ચોરી અટકાવવા માટે આ પગલાં આવશ્યક છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer