26/11ના હુમલા બાદ પાકિસ્તાન સામેનું વલણ સંયમ નહીં, નબળાઈ

26/11ના હુમલા બાદ પાકિસ્તાન સામેનું વલણ સંયમ નહીં, નબળાઈ
મનીષ તિવારીનો મનમોહન સરકાર પર હુમલો
ભાજપે કહ્યું કૉંગ્રેસ નેતાનું પુસ્તક નકામી સરકારનું કબૂલાતનામું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : કૉંગ્રેસના નેતાઓ જ કૉંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. પંજાબના આનંદપુર સાહિબના સંસદસભ્ય અને કૉંગ્રેસના અસંતુષ્ટ જી-23 જૂથના નેતા મનિષ તિવારીએ 26/11ના મુંબઈના આતંકવાદી હુમલા સંદર્ભે મનમોહન સિંહની સરકારની નીતિની ટીકા કરી છે. `10 ફ્લેશ પોઈન્ટ્સ; 20 યર્સ-નેશનલ સિક્યુરિટી સિચ્યુએશન્સ ધેટ ઈમ્પેક્ટેડ ઈન્ડિયા' પુસ્તકમાં તિવારીએ કહ્યું છે કે સંયમના નામે સરકાર નરમ પડી ગઈ હતી, એ `તાકાત' નહીં પરંતુ `નબળાઈ'ની નિશાની છે.
મનિષ તિવારીના આ પુસ્તકને કારણે ભાજપને આવતા વર્ષે યોજાનારી રાજ્યોની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પર હુમલો કરવાની તક મળી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મીડિયા સમક્ષ કૉંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊઠાવતાં કહ્યું હતું કે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી શું આજે તમે ચુપકીદી તોડશો? અમારો સવાલ એ છે કે, આપણું સૈન્ય પાકિસ્તાનને પાઠ ભણાવવા માગતું હતું અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની પરવાનગી માગી હતી, પરંતુ આપણી બહાદુર સેનાને ત્યારે અનુમતિ કેમ આપવામાં આવી નહોતી? 
મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે સેંકડો નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા માટે સંતાપ થતો ન હોય એ સંયમની નહીં પરંતુ નબળાઈની નિશાની છે. અમુક સમયે શબ્દો નહીં, કાર્યવાહી જ વધુ બોલે છે. 26/11નો હુમલો આવો જ એક સમય હતો. તિવારીએ 26/11ની ઘટનાને અમેરિકાના 9/11ના  હુમલા સાથે સરખાવતાં કહ્યું હતું કે ભારતે પણ એ સમયે ઝડપી અને કઠોર પ્રતિક્રિયા દર્શાવવી જોઈતી હતી.
ગૌરવ ભાટિયાએ મીડિયાને જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે 26/11ના હુમલા બાદ કઠોર પ્રતિક્રિયા નહીં દર્શાવીને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાડી હતી. કૉંગ્રેસની નિષ્ફળતાની આ કબૂલાત વાંચીને દરેક ભારતીયની જેમ અમને દુ:ખ થયું છે. આ પુસ્તક એ વાતની પુષ્ટિ કરે છે કે યુપીએ સરકાર અસંવેદનશીલ, નકામી હતી અને એને રાષ્ટ્રીય સુરક્ષાની પણ પડી નહોતી.
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું હતું કે સલમાન ખુર્શીદ બાદ કૉંગ્રેસના અન્ય એક નેતાએ પોતાનું પુસ્તક વેચવા માટે યુપીએ સરકારની નબળાઈની આલોચના કરી છે. ઍર ચીફ માર્શલ ફલિ મેજર પહેલાંથી જ કહેતા આવ્યા છે કે ભારતીય વાયુ સેના હુમલો કરવા માટે તૈયાર હતી પરંતુ યુપીએ સરકારે અટકાવી હતી. સલમાન ખુર્શીદે પોતાના નવા પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા જેહાદી જૂથો સાથે કરી છે. 
મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં જુદી જુદી જગ્યાએ કરેલા હુમલામાં 166 લોકો મૃત્યુ પામ્યાં હતાં. જીવતા પકડવામાં આવેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને 2012ની 21 નવેમ્બરે ફાંસી આપવામાં આવી હતી.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer