ઓપેક સામે ભારત, અમેરિકા, ચીન અને જાપાનનું નવું શત્ર

ઓપેક સામે ભારત, અમેરિકા, ચીન અને જાપાનનું નવું શત્ર
ઈંધણના ભાવ કાબુમાં લેવા
અનામત ભંડારમાંથી ભારત 50 લાખ બેરલ ક્રૂડ અૉઈલ ઉપાડશે; અમેરિકા, જાપાન પણ અનુસરશે
નવી દિલ્હી, તા.23 : પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવમાં એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડા બાદ થોડી રાહત મળવા છતાં ક્રૂડ ઓઈલના ઊંચી કિંમતોને કારણે આ ઈંધણોના ભાવો હજુ પણ 95થી 100 રૂપિયા જેવા ઊંચા સ્તરે જ છે. તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે કિંમતોમાં ઘટાડા માટે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવાની ઈન્કાર કર્યા બાદ ભારતે   અમેરિકા સહિતના ક્રૂડ ઓઈલના મોટા વપરાશકાર દેશો સાથે તાલ મિલાવી જવાબી રણનીતિ તૈયાર કરી ઈમરજન્સી ક્વોટામાંથી  50 લાખ બેરલ ઉપાડવાનો નિર્ણય કરતાં આગામી દિવસોમાં આપમેળે ઈંધણના ભાવ નીચા આવી જશે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આજે યોજવામાં આવેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓપેકના ઉત્પાદન ઘટાડવાના ધરાર ઈન્કારને પગલે તેને સણસણતો જવાબ આપવાના ધ્યેય સાથે ભારતે અમેરિકા, ચીન અને અન્ય બીજી મોટી અર્થવ્યવસ્થાઓ સાથે બજારમાં ક્રૂડ ઓઈલનો વધુ જથ્થો બજારમાં લાવવા અંગે કામ શરૂ કર્યું છે અને તેના કારણે આગામી 7-10 દિવસમાં આ કવાયત શરૂ પણ થઈ જશે. ભારત દ્વારા વ્યૂહાત્મક ભંડારમાંથી  જે તેલનો જથ્થો કાઢવામાં આવશે તે મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ (એમઆરપીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ને વેચવામાં આવશે. આ બંને સરકારી તેલ કંપનીના યુનિટ રણનીતિક તેલ ભંડારથી પાઈપલાઈન મારફતે જોડાયેલી છે.
ઊર્જા નિષ્ણાતોએ  કહ્યું હતું કે જો ક્રૂડ ઓઈલની ઘટતી કિંમતોનો ફાયદો તેલ કંપનીઓ લોકોને આપશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ બે-ત્રણ રૂપિયા ઘટી શકે છે. જોકે આવનારા દિવસોમાં ડોલરની તુલનાએ રૂપિયો કમજોર થશે તો કિંમતોમાં ઘટાડો થવો મુશ્કેલ બની શકે છે. ક્રૂડ તેલ હજુ 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
ભારત પાસે ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટના ત્રણ સ્થળોએ લગભગ 3.8 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો છે તેમાંથી 50 લાખ બેરલ આગામી 7થી 10 દિવસમાં છૂટો કરવામાં આવશે.
ભારતે આ પગલું ઓપેકના ઈન્કાર બાદ ઉઠાવવાની તૈયારી કરી છે. અમેરિકાએ ભારતની સાથે ચીન અને જાપાનના એકત્રિત પ્રયાસનો અનુરોધ કર્યો હતો. બીજા દેશો સાથે સમન્વય સાધીને અનામત ભંડારમાંથી તેલ લેવાનો આરંભ કરવામાં આવશે. અમેરિકન સરકાર તેમાં પહેલ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાનો ત્રીજો તેલ વપરાશકાર દેશ છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer