શ્રેયસ ઐય્યર ટેસ્ટ ડેબ્યુ કરશે : કૅપ્ટન રહાણેની મહોર

શ્રેયસ ઐય્યર ટેસ્ટ ડેબ્યુ કરશે : કૅપ્ટન રહાણેની મહોર
કાનપુર, તા.24: ભારતીય ટીમના કાર્યવાહક કપ્તાન અજિંકયા રહાણેએ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રેયસ અય્યર ગુરુવારથી ન્યુઝીલેન્ડ સામે અહીં શરૂ થતાં પહેલા ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. મેચની પૂર્વ સંધ્યા પર પત્રકારો સાથે વાત કરતા રહાણેએ આ સ્પષ્ટતા કરી હતી. જો કે તેણે એ બતાવ્યું ન હતું કે ટીમ કયા બેટર અને કયા બોલરના સંયોજન સાથે ઉતરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઋષભ પંતની અનુપસ્થિતિમાં ભારતીય બેટિંગ હરોળ થોડી નબળી લાગી રહી છે, આથી જો વધુ એક બેટધરને ઇલેવનમાં જગ્યા મળશે તો સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતમાંથી પણ કોઇ એકને ડેબ્યૂની તક મળી શકે છે. ભારતીય ટીમ હોમ કન્ડીશનમાં પાંચ બેટધર સાથે ઉતરાવનું પસંદ કરે છે. આથી જ તો હનુમા વિહારીને પસંદ ન કરીને આફ્રિકાના પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ સાથે મોકલવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં 52.18ની સારી સરેરાશથી રન કર્યાં છે. તે મુંબઇની ટીમ તરફથી વર્ષોથી મીડલ ઓર્ડરના સારો દેખાવ કરી રહ્યો છે. ટીમ આગઉ શુભમન ગિલને મધ્યક્રમમાં અજમાવવા ઇચ્છતી હતી, પણ કેએલ રાહુલની ઇજાને લીધે બધા દાવ ઉલ્ટા પડી ગયા છે. આથી હવે ભારતની બેટિંગનો મુખ્ય આધાર અનુભવી પુજારા અને સુકાની રહાણેના પર રહેશે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer