ઇન્ડોનેશિયા સુપર સિરીઝમાં સંઘર્ષપૂર્ણ જીત સાથે સિંધુ બીજા રાઉન્ડમાં

ઇન્ડોનેશિયા સુપર સિરીઝમાં સંઘર્ષપૂર્ણ જીત સાથે સિંધુ બીજા રાઉન્ડમાં
બાલી, તા.24: ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ બુધવારે અહીં ઇન્ડોનેશિયા ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રારંભિક રાઉન્ડમાં જાપાનની ખેલાડી અયા ઓહોરી વિરૂધ્ધ ત્રણ ગેમની સંઘર્ષપૂર્ણ રમત પછી જીત મેળવી હતી. વર્તમાન વિશ્વ વિજેતા સિંધુએ પહેલી ગેમ ગુમાવ્યા બાદ સારી વાપસી કરીને એક કલાક અને 10 મિનિટની રમત બાદ ઓહોરીને 17-21, 21-17 અને 21-17થી હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે સિંધુનો આ જાપાની ખેલાડી વિરૂધ્ધ પ્રભાવશાળી રેકોર્ડ 11-0એ પહોંચી ગયો છે. ગત સપ્તાહે અહીં ઇન્ડોનેશિયા ઓપન 750 સિરીઝમાં પીવી સિંધુ સેમિ ફાઇનલમાં જાપાની ખેલાડી અકાને યામાગૂચી સામે હારી હતી. હવે આ 1000 સુપર સિરીઝમાં સિંધુની બીજા રાઉન્ડમાં  જર્મન ખેલાડી યવોન લીનો સામનો કરશે. આ પહેલા મેન્સ સિંગલમાં ભારતના યુવા લક્ષ્ય સેન અને અનુભવી પી. કશ્યપની પહેલા રાઉન્ડમાં હાર થઇ હતી. મિકસ ડબલ્સમાં પણ ભારતીય જોડી એન સિક્કી રેડ્ડી અને ધ્રુવ કપિલા પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઇ છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer