ચૂંટણીમાં હારની ડરથી કૃષિ કાનૂન પાછા ખેંચાયા છે : શરદ પવાર

પુણે, તા. 24 : (પીટીઆઈ) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે બુધવારે મહાબળેશ્વરમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવવાની હોવાથી કેન્દ્ર સરકારે ત્રણે વિવાદાસ્પદ કૃષિ કાનૂન પાછા ખેંચવાનો ફેસલો કર્યો હતો. 
તેમણે કહ્યું હતું કે, જો ચૂંટણી માથે ન હોત તો આ કાનૂન સરકારે ખેંચ્યા ન હોત. અમારી માહિતી એવી છે કે સત્તાધારી પક્ષોના અમુક લોકો જે રાજ્યોમાં ચૂંટણી છે એ રાજ્યોના અમુક ગામોની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમનો સત્કાર સારી રીતે થયો નહોતો. એટલે ચૂંટણીમાં પણ આવા જ હાલ થશે એનો ખ્યાલ તેમને આવી ગયો હતો. આને પગલે કૃષિ કાનૂન પાછા ખેંચવાનો પ્રેક્ટિકલ નિર્ણય લેવાયો હતો. 
તેમણે કહ્યું હતું કે, ત્રણ પક્ષના મોરચાની ઉદ્ધવ ઠાકરેની સરકાર એની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે અને આ મોરચો ફરી સત્તા પર આવશે. 
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના યુવા પાંખના સંમેલન પહેલાં શરદ પવાર પત્રકારો સાથે સંવાદ કરી રહ્યા હતા. 
નવા વર્ષમાં મહારાષ્ટ્રની સરકારનું પતન થશે. એવા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની આગાહી વિશે શરદ પવારે કહ્યું હતું ઉદ્ધવની સરકાર રચાઈ ત્યારે 15 દિવસમાં સરકાર તૂટી પડશે, એવી આગાહી કરવામાં આવેલી. પછી ક્યારેક એક મહિનામાં તો ક્યારેક બે મહિનામાં તો ક્યારેક ત્રણ મહિનામાં સરકાર તૂટી પડશે એવી આગાહી કરાઈ છે. ચંદ્રકાંત પાટિલનું એવું છે કે ફુરસદના સમયે એ જ્યોતિષીની સલાહ લેતા હોવાનું લાગે છે અને એમની સલાહ પ્રમાણે તેઓ આગાહી કરતા હોય એવું લાગી રહ્યું છે. તેમને આ આગાહીમાંથી આનંદ લેવા દ્યો. 
કેન્દ્રીય તપાસ સંસ્થાઓની મહારાષ્ટ્રમાંની કાર્યવાહી વિશે બોલતા શરદ પવારે કહ્યું હતું કે તાજેતરમાં હું વેસ્ટ બેન્ગાલના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળ્યો હતો. મમતાની સરકારમાંના છથી સાત પ્રધાનોને કેન્દ્રીય તપાસ સંસ્થા હેરાન કરી રહી છે. હું મમતાને ટૂંક સમયમાં ફરી મુંબઈમાં મળવાનો છું.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer