સમીર વાનખેડેના પિતાએ સિંગલ જજના અૉર્ડર સામે કરેલી અપીલની આજે સુનાવણી

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ અૉફિસના ઝોનલ હેડ સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ પોતાની અને પોતાના પરિવાર સામે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક બદનક્ષીભરી પોસ્ટ કે જાહેર ટિપ્પણી ન કરે એ માટે હાઈકોર્ટ પાસેથી અમુક રાહત માગી હતી, પણ હાઈ કોર્ટની સિંગલ જજની બૅન્ચે રાહત ન આપતા હવે તેમણે હાઈકોર્ટની બે જજની ડિવિઝન બૅન્ચ સમક્ષ બુધવારે અપીલ કરી હતી. 
જ્ઞાનદેવ વાનખેડેએ અપીલની અરજન્ટ સુનાવણીની માગણી કરી છે. જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ મિલિન્દ જાધવની બૅન્ચ ગુરુવારે આ અપીલની સુનાવણી કરે એવી શક્યતા છે. 
જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક સામે સવા કરોડનો બદનક્ષીનો દાવો માંડયો હતો અને એમા તેમણે અમુક વચગાળાની રાહત કોર્ટ પાસેથી માગી હતી. જોકે, કોર્ટે એ આપી નહોતી. 
બદનક્ષીની અરજીમા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિકની ટ્વીટ્સ અને જાહેર નિવેદનોનો ઉલ્લ્ખ કર્યો હતો. એક ટ્વીટમાં નવાબ મલિકે એમ કહ્યું હતું કે સમીર વાનખેડે જન્મે મુસ્લિમ છે અને સરકારી નોકરી તેમણે હિન્દુ શિડયુલ્ડ કાસ્ટના નામે નોકરી મેળવી હતી. એ માટે તેમણે દસ્તાવેજોમાં ચેડાં કર્યા હતા. 
અરજીમાં જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક બદનક્ષીભર્યા ટ્વીટ કે જાહેર નિવેદનો ન કરે એ માટે તેમના પર રોક લગાવવાની માગણી કરી હતી. જોકે, સિંગલ બૅન્ચે કહ્યું હતું કે નવાબ મલિક પર આવો બ્લેન્કેટ બૅન લગાવી ન શકાય. જોકે, હાઈકોર્ટે કહ્યું હતું કે નવાબ મલિક અત્યારસુધી જે ટ્વીટ કરી છે એ વ્યક્તિગત વેરઝેર અને દુર્ભાવના સાથે પોસ્ટ કરી હોય એવું પ્રાથમિક રીતે લાગે છે. 
કોર્ટે એમપણ કહ્યું હતું કે સમીર વાનખેડે એક સરકારી અધિકારી છે અને તેમની જે ફરજ છે એ વિશે નવાબ મલિકે આક્ષેપો કર્યા છે. એટલે તેમને સમીર વાનખેડે સામે બોલવા પર સંપૂર્ણ રોક લગાવી શકાય એમ નથી. નવાબ મલિક જો સમીર વાનખેડે કે તેમના પરિવાર સામે કોઈ નિવેદન કરે તો તેમણે તેની સચ્ચાઈ ચકાસીને કરવા પડશે. 
અપીલમાં જ્ઞાનદેવ વાનખેડેએ અપીલમાં એવી દલીલ કરી છે કે સિંગલ જજે જ્યારે એમ કહ્યું કે નવાબ મલિક વ્યક્તિગત વેરઝેર અને દુર્ભાવના સાથે પોસ્ટ-જાહેર નિવેદનો કરી રહ્યા હોવાનું પ્રાથમિક રીતે લાગે છે ત્યારે તેમણે નવાબ મલિક પર મારા અને મારા પરિવાર સામે બદનક્ષીભર્યા નિવેદનો કરવા પર રોક લગાવી જોઈતી હતી. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer