ફેમિલી કોર્ટમાં બાળકો માટે ચાઈલ્ડ ઈન્ટિપેન્ડન્ટ ઍડવોકેટની પૅનલ

છૂટાછેડાના કેસોમાં બાળકોનો પક્ષ માંડવાનો દેશમાં પ્રથમ પ્રયાસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : છૂટાછેડાના કેસમાં ઘણીવાર બાળકોની સ્થિતિ કફોડી થતી હોય છે અને તેમની બાજુ અસરકારક રીતે અદાલત સમક્ષ રજૂ થતી હોતી નથી. આથી આવા કેસમાં બાળકની બાજુ રજૂ કરવા માટે સ્વતંત્ર વકીલ નીમવાનું કોર્ટને જરૂરી લાગે તો એ સરળ બની રહે એ દૃષ્ટિથી બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં `ચાઈલ્ડ ઈન્ટિપેન્ડન્ટ ઍટર્ની (ઍડવોકેટ)'-નિષ્ણાંત વકીલોની પૅનલ તૈયાર કરવામાં આવશે. દેશમાં આ પ્રકારનો આ કદાચ પ્રથમ જ પ્રકલ્પ છે.
વિવાહિત દંપતીના ખટલાઓનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતા વકીલ તેમજ નાના બાળકોના હિતાર્થે કાર્યરત સંસ્થાના અનુભવી કાર્યકરોનો આ પૅનલમાં સમાવેશ કરાશે. ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી. એલ. પલસિંગણકરે આ સંદર્ભે મોકલાવેલા પ્રસ્તાવને મુંબઈ હાઈકોર્ટે તાજેતરમાં જ મંજૂરી આપી છે. 
છૂટાછેડાના કેસમાં બાળકોનો કબજો મેળવવા માટે પતિ-પત્નીમાં સંઘર્ષ થાય છે. ક્યારેક તો આવા કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. અનેક કેસમાં ફેમિલી કોર્ટના આદેશ બાદ પણ પિતા દ્વારા બાળકના ભરણપોષણનો ખર્ચ આપવામાં આવતો નથી. આવા સમયે બાળકની બાજુ પણ કોર્ટમાં યોગ્ય રીતે રજૂ થવી જરૂરી હોય છે. `ચાઈલ્ડ ઈન્ટિપેન્ડન્ટ ઍટર્ની' અંતર્ગત એ સરળ બનશે. આથી નાના બાળકોનું હિત જાળવવામાં રસ ધરાવતા વકીલ અને પ્રતિનિધિનો જ આ પૅનલ માટે વિચાર કરવામાં આવશે એવું ફેમિલી કોર્ટ બાર ઍસોસિએશનના સેક્રેટરી શ્રદ્ધા દળવીએ જણાવ્યું હતું.
ઍસોસિએશનના અધ્યક્ષ શશીધરન નાયરે જણાવ્યું હતું કે વાસ્તવમાં ફેમિલી કોર્ટ એક્ટ,1984 કાયદામાં જ `ચાઈલ્ડ ઈન્ટિપેન્ડન્ટ ઍટર્ની' નીમવાની જોગવાઈ છે, પરંતુ પ્રત્યક્ષમાં તેની અમલ બજાવણી થઈ નહોતી. બાન્દ્રા ફેમિલી કોર્ટના એક ન્યાયાધીશે કેટલાક પ્રકરણમાં આવા સ્વતંત્ર વકીલ નીમ્યા બાદ ગૂંચ ઉકેલવામાં મદદ મળી છે. એ જોઈને પૅનલ નીમવા માટે મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને હવે હાઈકોર્ટે પણ મંજૂરી આપી છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer