ઈરાન બાદ હવે તુર્કીના આયાતી કાંદા બજારમાં

અમરા પ્રતિનિધિ તરફથી
નવી મુંબઈ, તા. 24 : સરકાર તરફથી વાશીસ્થિત કાંદા-બટાટાની બજારમાં નાફેડ (સરકારી) કાંદા મોકલવામાં આવી રહ્યા છે. આમ છતાં ભાવ ઘટતા નથી. કેટલાંક વેપારીઓએ નફો કમાવવા ઈરાન બાદ હવે તુર્કીથી કાંદાની આયાત કરવા માંડી છે.
બજારમાં 21,917 ગૂણી કાંદાની આવક થઈ, જેમાં 1500 ગૂણી તુર્કીથી આવી છે. તુર્કીના કાંદા જથ્થાબંધ બજારમાં કીલોદીઠ રૂપિયા 15થી 21માં વેચવામાં આવી રહ્યા છે.
વાશીસ્થિત બટાટા-કાંદા બજારમાં એક મહિના પહેલાં કાંદાની કિંમત કીલોદીઠ રૂપિયા 35 હતી. આને જોતાં વેપારીઓએ જથ્થાબંધ ભાવ રૂપિયા 40થી ઉપર જવાનો અનુમાન લગાવ્યો હતો. આ વાતને ધ્યાનમાં લઈને જથ્થાબંધ વેપારીઓએ નફો કમાવવા ઇરાનથી 480 ટન કાંદાની આયાત કરી હતી, જેને જથ્થાબંધ બજારમાં કિલોદીઠ રૂપિયા 20થી 30માં વેચવામાં આવ્યા હતા.
હવે તુર્કીથી કાંદાની આયાત કરવામાં આવી રહી છે. દેશી-વિદેશી કાંદા આવવાથી હવે ભાવમાં લગાતાર ઘટાડો શરૂ થઈ ગયો છે.
એપીએમસી જથ્થાબંધ બજારમાં કાંદાના વેપારી મનોહર તોતલાનીએ જણાવ્યું હતું કે, સૌથી હલકી ગુણવત્તાના દેશી કાંદા 3 રૂપિયે કિલો વેચાયા હતા, જ્યારે ઇરાનથી આવેલા હલકી ગુણવત્તાવાળા કાંદા કિલોદીઠ રૂપિયા પાંચના ભાવે વેચાયા હતા.
જથ્થાબંધ બજારમાં જુના કાંદાનો મહત્તમ ભાવ કિલોદીઠ રૂપિયા 28નો રહ્યો હતો, જ્યારે ઈરાનના કાંદા રૂપિયા 20 અને નાફેડના કાંદા રૂપિયા 15થી 20 કિલોદીઠ વેંચાયા હતા.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer