સંસદના શિયાળુ અધિવેશનની તૈયારી માટે વિપક્ષ કૉંગ્રેસની આજે બેઠક

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : સંસદના શિયાળુ અધિવેશનમાં કૃષિ કાયદા પરત લેવાનો ખરડો આવવાનો છે એના કારણે આ અધિવેશનનું મહત્ત્વ વિશેષ રહેશે, એના કારણે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ગૃહમાં કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવા પચીસ નવેમ્બરે પાર્ટીની બેઠક બોલાવી છે.
કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લોકસભા પાર્ટીના નેતાઓ તેમ જ વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓની આ બેઠકમાં કૃષિ કાયદા પાછા ખેંચવા સાથે જ કૃષિ ક્ષેત્રની અન્ય માગણીઓ સરકાર સામે અસરકારક રીતે રાખવાનો વ્યૂહ તૈયાર કરાશે. પાર્ટી આ અધિવેશનમાં કોઈ વિઘ્નો ઊભાં કરવાં નથી ઈચ્છતી અને છેલ્લું અધિવેશન શોરબકોરમાં ધોવાઈ ગયું અને કૉંગ્રેસને એના માટે જવાબદાર ગણાવાઈ હતી એવું આ વખતે પણ થાય એવું નથી ઈચ્છતી. કૉંગ્રેસની આ બેઠકમાં મોદી સરકારને કૃષિ કાયદા ઉપરાંત મોંઘવારી, ઈંધણના ભાવ સહિતના મુદ્દે કઈ રીતે ઘેરવી અને સંસદનાં બંને ગૃહમાં પાર્ટીના નેતાઓ કેવી રીતે અસરકારક રજૂઆત કરી શકે એની પણ વિચારણા કરાશે.
ખાસ તો આગામી વર્ષની શરૂઆતમાં જ યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે એ પહેલાનું સંસદનું પૂર્ણ અધિવેશન થવાનું છે એટલે આ અધિવેશનનું રાજકીય મહત્ત્વ પાર્ટી સમજે છે.
આ ઉપરાંત સંસદનાં બંને ગૃહોમાં વિપક્ષોની એકતા ગાયબ છે. કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે તેથી મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસ અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ સાથે લઈ શકે એની પણ આ બેઠકમાં વિશદ ચર્ચા થવાની ધારણા છે. હાલમાં તૃણમૂલનાં અધ્યક્ષા મમતા બેનરજી દિલ્હીમાં છે અને કૉંગ્રેસના કીર્તિ આઝાદ સહિતના નેતાઓ તેમની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બેનરજી વડા પ્રધાન સહિત અન્ય પાર્ટીના નેતાઓને પણ મળી રહ્યાં છે. તેઓ સોનિયા ગાંધીને પણ મળવા જશે કે કેમ એ અંગે એના પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
કૉંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે 19 નવેમ્બરે વડા પ્રધાન મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરવા સાથે કૃષિ ક્ષેત્રના અન્ય પ્રશ્નોના સમાધાન માટે નિષ્ણાતોની એક સમિતિ નીમવાની જાહેરાત કરી હતી તેને કૉંગ્રેસ ટેકો આપશે. આ સાથે જ કૉંગ્રેસ ગ્લાસગોવ સમિટમાં મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે વિશ્વ સમુદાય સાથે વાતચીત કરી, ભારત-ચીન વચ્ચેનો સીમા વિવાદ તેમ જ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદની પરિસ્થિતિ વિશે સંસદમાં ચર્ચા થાય એવી પણ માગણી કરશે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer