ચીફ સેક્રેટરી સીતારામ કુંટે આજે ઈડી સમક્ષ હાજર નહીં થાય

ચીફ સેક્રેટરી સીતારામ કુંટે આજે ઈડી સમક્ષ હાજર નહીં થાય
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 24 : ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટેને 25 નવેમ્બરના હાજર થવાના સમન્સ મોકલાવ્યા છે. રાજ્યના પોલીસ અૉફિસરોની ટ્રાન્સફર્સ અને પોસ્ટિગ્સમાના ભ્રષ્ટાચાર વિશે અનિલ દેશમુખ સામે ચાલતી તપાસ સંબંધ અમુક પ્રશ્નોના જવાબ માટે ઈડી તેમને ગુરુવારે (આજે) હાજર થવાનું ફરમાન મોકલાવ્યું છે. 
જોકે, આ સમન્સ બાદ કુંટેએ કહ્યું હતું કે કેબિનેટની અમુક માટિંગો હોવાથી હું ઈડી સમક્ષ હાજર થવાનો નથી. 
ઈડીએ હવાલા પ્રતિબંધક ધારા હેઠળ મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે કેસ ફાઈલ કર્યો છે. એક નવેમ્બરના તેમની ધરપકડ કરવામાં આવી હતી. 
સીબીઆઈએ 21 એપ્રિલના દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો કેસ ફાઈલ કર્યો એ બાદ ઈડીએ પણ દેશમુખ સામે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ કેસ ફાઈલ કર્યો હતો. એ બાદ તેમણે ગૃહપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધું હતું. 
મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ સામે મુકેલા 100 કરોડના ભ્રષ્ટાચારના અને સત્તાના દુરુપયોગના આક્ષેપો વિશે સીબીઆઈએ હાઈકોર્ટના કહેવાથી પહેલા પ્રાથમિક તપાસ કરી હતી અને પછી એફઆઈઆર નોંધી હતી. 
ઈડીએ દેશમુખ સામે એવો કેસ કર્યો છે કે તેઓ ગૃહપ્રધાન હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ડિસમિસ પોલીસ અૉફિસર સચીન વાઝે મારફતે મુંબઈની હોટેલો-બાર માલિકો પાસેથી 4.70 કરોડની વસૂલી કરી હતી. 
ઈડીએ આ કેસમાં દેશમુખ ઉપરાંત તેમના બે સહાયક કુન્દન શિંદે અને સંજીવ પલાન્ડેની આ કેસમાં ધરપકડ કરી છે અને ત્રણે અત્યારે અદાલતી કસ્ટડીમાં છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer