કૃષિ કાયદા પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ; કૅબિનેટની મંજૂરી

કૃષિ કાયદા પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ; કૅબિનેટની મંજૂરી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ખરડો-ફાર્મ લોઝ રિપીલ બિલ-2021 હવે 29મી નવેમ્બરથી શરૂ થતા શિયાળુ અધિવેશનમાં લોકસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ખેડૂતો દ્વારા વિરોધ થયા બાદ આ કાયદાઓ રદ્દ કરવા માટે કેન્દ્રીય પ્રધાનમંડળે ખરડાને અંતિમ રૂપ આપ્યું હતું. આ સાથે જ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરાઈ છે.
આ ખરડો રજૂ કરવા માટે ચોક્કસ તારીખ નક્કી નથી થઈ પરંતુ વિરોધ પક્ષ સરકારને સાણસામાં લેવા માટે સજ્જ થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો રજૂ કરવામાં આવે ત્યારે વિપક્ષ, ખેડૂતોના એક વર્ષના આંદોલન માટે વળતર અને તેમની સામેના કેસ પાછા ખેંચવાની માગણી કરી શકે છે. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ અંગે પણ વિરોધ પક્ષ સરકાર પર દબાણ આણવા માગે છે. સરકાર વિપક્ષની માગણી અંગે શું પ્રતિક્રિયા દર્શાવે છે એ જોવું રહ્યું. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ આપવા અંગે સરકાર પાસે ઉકેલ શોધવા સિવાય પર્યાય નથી કારણ કે નહીં તો ખેડૂતોનું આંદોલન સમાપ્ત નહીં થાય.
કેબિનેટ મીટિંગ બાદ સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 19 નવેમ્બરે, ગુરુપુરબના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં વડા પ્રધાને કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતા પૂરી કરી છે.
કૃષિ કાયદાઓ રદ કરવાની વડા પ્રધાનની જાહેરાત છતાં આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર સરકાર સામેના વિરોધ પ્રદર્શનને પાછું ખેંચવાના મૂડમાં નથી અને ટેકાના ભાવ તથા કેસ પાછા ખેંચવા સહિત છ માગણીઓ કેન્દ્ર સરકાર સામે મૂકી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ વડા પ્રધાનને પત્ર લખીને આ મુદ્દે ચર્ચાની માગણી કરી છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી અંગે લગભગ 40 ખેડૂત સંગઠનો એક વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે.
શિયાળુ અધિવેશનમાં 26 નવા ખરડા મંજૂર કરવાનું સરકારનું આયોજન છે, જેમાં ફાર્મસ પ્રોડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) ઍક્ટ 2020, ફાર્મર્સ (એમ્પાવર્મેન્ટ ઍન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ અૉફ પ્રાઈસ એશ્યુરન્સ, ફાર્મ સર્વિસ ઍક્ટ, 2020 અને એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, 2020 રદ કરવા માટે રજૂ કરવામાં આવશે.
વડા પ્રધાન ગરીબ અન્ન યોજના માર્ચ સુધી લંબાવાઈ
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના હકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મર્યાદા હવે વધારીને માર્ચ 2022 કરી દેવામાં આવી છે. આયોજનાની સમય મર્યાદા ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ રહી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને રાશન આપવામાં આવે છે. 
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન આપવાની યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે. આગામી વર્ષે થનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને સરકારનો નિર્ણય અસરકારક સાબિત થઈ શકે છે. જો કે સરકાર તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે, આ યોજનાને આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. બાદમાં વિપક્ષી દળો દ્વારા આ મામલે ભારે હંગામો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer