વિકાસ દર 9.3 ટકા રહેવાની મૂડી''સની ધારણા

વિકાસ દર 9.3 ટકા રહેવાની મૂડી''સની ધારણા
અર્થતંત્રમાં વિશ્વાસ પાછો ફરે છે 
નાણાવર્ષ 2023માં જીડીપીનો વિકાસ દર 7.9 ટકા રહેવાનો અંદાજ
નવી દિલ્હી, તા. 25 : મૂડી'સએ નાણાં વર્ષ 2022 માટે ભારતના જીડીપીનો વૃદ્ધી દર નક્કરપણે વધીને 9.3 ટકા થવાની આગાહી કરી છે જ્યારે નાણાં વર્ષ 2023માં જીડીપીનો વિકાસ દર 7.9 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યે છે. 
કોવિડના રસીકરણમાં સાતત્યપૂર્ણ પ્રગતી થઇ રહી હોવાથી દેશની આર્થિક ગતિવિધીમાં સુધારો થઇ રહ્યો હોવાનું મૂડી'સના એનાલિસ્ટ શ્વેતા પટોડિયાએ જણાવ્યું છે.
કોરોના વિષયક નિયંત્રણો હળવાં થવાના કારણે ગ્રાહકોની માગ,ખર્ચ અને ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો થયો છે. કાચા માલના ઊંચા ભાવ સાથે આ વલણના કારણે આવતાં 12થી 18 માસમાં નફો કરતી પ્રચલિત કંપનીઓનો વિકાસ નોંધપાત્ર થશે, એમ પટોડિયાએ ઉમેર્યું હતું. 
ભારતમાં તાજેતરમાં રસીકરણની પ્રક્રિયામાં વિક્રમી આંક હાંસલ કરવામાં આવ્યો હતો અને તેના અનુસંધાનમાં મૂડી'સએ નોંધ લીધી છે કે કોવિડની બીજી લહેર બાદ રસીકરણ ઝડપી બન્યું છે અને દેશના 30 ટકા નાગરિકોએ બંને ડોઝ જ્યારે 55 ટકા નાગરિકોએ પહેલો ડોઝ લઇ લીધો છે. તે કારણે ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. 
દેશના વિકાસ બાબતે મૂડી'સએ જણાવ્યું છે કે ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે, તે સાથે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાથી નવા રોકાણને વેગ મળશે. જોકે, સરકારી ખર્ચમાં વિલંબ, ઊર્જાની અછત અને કોમોડિટીના ભાવમાં નરમાઇ આવશે તો કંપનીઓની નફા શક્તિ ઉપર માઠી અસર થશે, એવી ટકોર તેમણે કરી હતી.
આરબીઆઇએ તેમની નાણાં નીતીની સમીક્ષા દરમિયાન ધિરાણ દરો સતત નીચા રાખ્યાં હોવાથી કંપનીઓને કરજ ઉપર વ્યાજ ભરવામાં રાહત મળી રહી છે અને નવા રોકાણને પણ વેગ મળી રહ્યો હોવાથી દેશના એકંદર વિકાસને વેગ મળશે, એમ મૂડી'સએ જણાવ્યું છે. જોકે ઊંચા ફુગાવાની ચિંતા છે, તે છતાં દેશનો વિકાસ દર અપેક્ષા કરતાં વધારે ઝડપથી વિકાસ પામશે, એમ પટોડિયાએ જણાવ્યું હતું.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer