હાઈ કોર્ટે આરોપીઓને થયેલી મૃત્યુદંડની સજાને જન્મટીપમાં ફેરવી

શક્તિ મિલ કમ્પાઉન્ડમાં સામૂહિક બળાત્કાર
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : મુંબઈમાં 2013માં બંધ થઈ ગયેલી શક્તિ મિલના કમ્પાઉન્ડમાં 22 વર્ષની એક ફોટો-જર્નાલિસ્ટ પર સામૂહિક બળાત્કાર કરનાર ત્રણ દોષીઓની મોતની સજા મંગળવારે મુંબઈ હાઈ કોર્ટે ઘટાડીને જન્મટીપની સજામાં પરિવર્તિત કરી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે દોષીઓને મોતની સજા મળશે તો તેમને ગુના વિશે પશ્ચાતાપ કરવાનો મોકો નહીં મળે. જન્મટીપની સજાને કારણે તેઓ આજીવન પશ્ચાતાપ કરી શકશે. 
મહિલાઓના માન-સન્માન પર બળાત્કાર સર્વોચ્ચ મોટું કલંક હોવાનું જણાવતા હાઈ કોર્ટે 108 પાનાના એના ચુકાદામાં કહ્યું હતું કે દોષીઓને સમાજની સાથે હળીમળીને રહેવાને લાયક નથી. આવા લોકો મહિલાઓને ઉપહાસ, દુષ્ટતા, તિરસ્કાર અને હવસના ઈરાદે મહિલાઓ તરફ જોતા હોવાથી સમાજમાં તેમની હાજરી ન હોવી જોઈએ. 
જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ પૃથવીરાજ ચવ્હાણની ડિવિઝન બૅન્ચે દોષી વિજય જાધવ, મહમ્મદ કાશીમ બંગાલી શેખ અને મહમ્મદ અન્સારીની સજાને ઓછી કરી હતી. આ ત્રણે હવે આજીવન કાળ સુધી જેલમાં રહેશે. સેશન્સ કોર્ટે ત્રણેને મૃત્યુદંડની સજા આપી એના સાત વર્ષ બાદ હાઈ કોર્ટનો આ ચૂકાદો આવ્યો છે. 
હાઈ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક બળાત્કારની જે ઘટના બની હતી એ ઘૃણાસ્પદ અને હિચકારી હતી અને એવું ન કહી શકાય કે દોષીઓ માત્રને માત્ર મૃત્યુદંડને જ લાયક છે. મૃત્યુદંડ એકદમ અપવાદ સંજોગોમાં જ આપવાનો હોય. લોકોની લાગણી કે ઉહાપોહને ધ્યાનમાં રાખીને મૃત્યુદંડની સજા ન આપી શકાય. અમારો એવો મત છે કે દોષીઓને આજીવન કારાવાસ મળવો જોઈએ. દોષીઓ ઉદારતા, સહાનુભૂતિ અથવા લાગણીને લાયક નથી. રોજનો સૂર્યોદય તેમને તેમના ગુનાની યાદ અપાવશે અને રાત્રે તેઓ ગુનાના પસ્તાવા સાથે સુવા જશે. 
ડિવિઝન બૅન્ચે કહ્યું હતુ ત્રણે દોષીઓને ભવિષ્યમાં સજામાં માફી નહીં મળે. એ ઉપરાંત તેમને પરોલ કે ફર્લો પણ નહીં મળે. તેમનામાં સુધારાની કોઈ શક્યતા ન હોવાથી તેઓ સમાજની સાથે રહેવા માટે લાયક પણ નથી. 
સામૂહિક બળાત્કારની ઘટના વખતે ત્રણેયે મહિલાને એમ કહ્યું હતું કે અમારી હવસ પૂરી કરનાર તું કંઈ પહેલી મહિલા નથી. ડિવિઝન બૅન્ચે ત્રણેના આ કબુલાતનામાની નોંધ કરતા કહ્યું હતું આ એ બતાવે છે કે દોષીઓમાં કોઈ સુધારો થવાની શક્યતા જ નથી. પીડિત મહિલાની પ્રશંસા કરતા કોર્ટે કહ્યું હતું કે તેણે માત્ર પોતાના માટે જ નહીં પણ ભૂતકાળમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ માટે પણ ન્યાય માગ્યો હતો. આ પીડિત મહિલાને મહારાષ્ટ્ર સરકારની યોજના હેઠળ વળતર મળવું જોઈએ. 
શું ઘટના હતી... 
22 અૉગસ્ટ, 2013ના શક્તિ મિલ કમ્પાઉન્ડમાં 22 વર્ષની ફોટો જર્નાલિસ્ટ પર પાંચ વ્યક્તિઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો આ બનાવે આખા મુંબઈમાં ભારે ચકચાર જગાવી હતી અને માર્ચ 2014ના સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને મૃત્યુ દંડની સજા ફરમાવી હતી. આ ત્રણે આરોપીએ 19 વર્ષની એક ટેલિફોન અૉપરેટર પર પણ શક્તિ મિલ કમ્પાઉન્ડમાં સામૂહિક બળાત્કાર કરેલો. સેશન્સ કોર્ટે કહ્યું હતું કે હિચકારા ગુનાનું પુનરાવર્તન કરનારાઓને મૃત્યુદંડથી નીચી સજા ન આપી શકાય. સેશન્સ કોર્ટમાં સામૂહિક બળાત્કારના બન્ને ખટલા સાથે ચાલ્યા હતા અને ચુકાદો પણ સાથે અપાયો હતો. 
એક આરોપીને નીચલી અદાલતે આજીવન કારાવાસની સજા ફરમાવી હતી અને પાંચમો આરોપી સગીર હોવાથી તેને બાળ સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. 
એપ્રિલ 2014માં મૃત્યુદંડની સજા મેળવનાર ત્રણેય આરોપીઓએ મૃત્યુદંડ સામે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer