કોરોનાથી મૃત્યુ; 13 રાજ્યને ઍલર્ટ

નવી દિલ્હી, તા. 25 : ભારતમાં દરરોજ સામે આવતા નવા તેમજ સારવાર લેતા સંક્રમિતોની સંખ્યા તો ઘટવા માંડી છે, પરંતુ છેલ્લા નવ દિવસના આંકડા પર એક નજર કરીએ, તો રોજ કોરોનાથી થતાં મૃત્યુના દરમાં 121 ટકા સુધી વધારો આવ્યો છે, ત્યારે ચિંતા સાથે કેન્દ્ર સરકારે દેશનાં 13 રાજ્યોને એલર્ટ જારી કર્યો છે. આજે નવા 9119 દર્દી ઉમેરાયા હતા, તો 396 દર્દીનાં મોત થયાં હતાં. ગત 15મી નવેમ્બરના દિવસે દેશમાં 197 દર્દીનાં મોત થયાં હતાં, તો 23મી નવેમ્બરના દિવસે આ મૃત્યુનો આંક 437 પર પહોંચી ગયો હતો. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશનાં 13 રાજ્યોને પત્ર લખી ટેસ્ટિંગની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટેસ્ટિંગ વધારવાની તાકિદ કરી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પશ્ચિમ બંગાળ, ગોવા, કાશ્મીર, કેરળ, લદ્દાખ, મહારાષ્ટ્ર, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને સિક્કીમને પત્ર લખ્યો છે. ભારતમાં સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યા 1.10 લાખથી પણ નીચે ચાલી ગઇ છે. દેશમાં ગુરુવારે સારવાર લેતા દર્દી 539 દિવસમાં સૌથી ઓછા રહી ગયા હતા.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer