કિંગ્સ સર્કલ, ગાંધી માર્કેટ, નહેરુ નગર અને ચેમ્બુરમાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે

માહુલ પમ્પિંગ સ્ટેશન માટે મળશે જગ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : જગ્યાના અભાવે પાછળ ઠેલાઈ રહેલો મુંબઈ પાલિકાનો મહત્વાકાંક્ષી માહુલ પમ્પિંગ સ્ટેશન પ્રકલ્પ હવે પાટે ચડવાની શક્યતા છે. આ પમ્પિંગ સ્ટેશન માટે પાલિકાને પોતાની જગ્યાના બદલામાં 15,500 ચોરસ મીટર જગ્યા મળવાની છે. આ પમ્પિંગ સ્ટેશનને લીધે કિંગ્સ સર્કલ, ગાંધી માર્કેટ, નહેરુનગર, સિંધી સોસાયટી ચેમ્બુર અને રેલવે લાઈન પૂરમુક્ત થવામાં મદદ મળશે. 
ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. એમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષથી વરસાદની તીવ્રતા અને અનિશ્ચિતતા વધવાથી અને ઓછા સમયમાં અતિવૃષ્ટિ થતી હોવાથી રેલવે લાઈન પર પાણી ભરાય છે અને જનજીવન ખોરવાઈ જતું હોય છે. આથી પાલિકાએ છ પમ્પિંગ સ્ટેશન તૈયાર ર્ક્યાં છે. આ પમ્પિંગ સ્ટેશનો દ્વારા ગણતરીની પળોમાં હજારો લિટર પાણી સમુદ્રમાં ફેંકી શકાય છે. એવી જ રીતે માહુલ પમ્પિંગ સ્ટેશન બાંધવા માટે જગ્યા મેળવવા કેન્દ્ર સરકારના સૉલ્ટ કમિશનર ખાતા પાસે છેલ્લાં અનેક વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી. જો કે એમાં સફળતા મળતી નહોતી. પરંતુ માહુલ પમ્પિંગ સ્ટેશન વહેલી તકે તૈયાર કરવું જરૂરી હોવાથી પાલિકાએ હવે જગ્યાની બદલીમાં જગ્યા મેળવીને પ્રકલ્પ પૂરો કરવાનો નિર્ણય લીધો છે. જગ્યાની અદલબદલનો આ પ્રસ્તાવ સુધાર સમિતિની આગામી બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
માહુલ પમ્પિંગ સ્ટેશનની જરૂર ધ્યાનમાં લઈને બે ભૂખંડ પરની 15,500 ચોરસ મીટર જગ્યા પાલિકાના તાબામાં લઈને મહાપાલિકાના તાબા હેઠળની એટલી જ જગ્યા અજમેરા રિઍલિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયાને આપવામાં આવશે. આ સંદર્ભે કાયદેસર કાર્યવાહી પૂરી કરવામાં આવી છે અને પાલિકા આયુક્તની મંજૂરી પણ લેવામાં આવી છે. પમ્પિંગ સ્ટેશન માટેની જગ્યા અતિક્રમણમુક્ત છે. ઉપરાંત આ જગ્યા નાળાની નજીક આવી હોવાથી પાણી વહી જવા માટે અલાયદી વ્યવસ્થા કરવી પડશે નહીં. માહુલ પમ્પિંગ સ્ટેશનને લીધે માહુલ ખાડીની પહોળાઈ 56 મીટર જેટલી વધી જશે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer