કપડાં અને ફૂટવૅર પર 12 ટકા જીએસટીનો વિરોધ

`કૈટ'ના બેનર હેઠળ રાષ્ટ્રીય આંદોલન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25: ઊલટા કર ઢાંચા (ઈન્વર્ટેડ ડયૂટી) હટાવવા અને વ્યવસ્થિત કરવા જીએસટી કાઉન્સિલના નિર્ણયને લાગુ કરતાં કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડીને સમસ્ત પ્રકારના કાપડ અને ફૂટવૅર પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કર્યો તે અત્યંત અનુચિત અને તર્કહીન છે અને સરકાર દ્વારા કલ્પિત ઊલટા કર ઢાંચાને હટાવવાના ઉદ્દેશને પૂરો કરતો નથી એમ કૉન્ફેડરેશન અૉફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ જણાવ્યું હતું. 
`કૈટ'ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરે અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જીએસટી કર ઢાંચાને સરળ અને સુસંગત બનાવવાને બદલે જીએસટી પરિષદે તેને જટિલ બનાવી દીધો છે. તેને તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા બનાવવામાં આવેલા જીએસટી ઢાંચાથી વિપરીત બનાવી દેવામાં આવ્યો છે.
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સવાલ એ છે કે શું ઊલટા કર (ઈન્વર્ટેડ ડયૂટી) નો ઢાંચો યોગ્ય છે ખરો? સુતરાઉ કપડા ઉદ્યોગમાં કોઈ ઊલટો કર ઢાંચો ન હતો તો પછી કપડા અને અન્ય સુતરાઉ વત્રોના સામાનને 12 ટકાના દાયરામાં શા માટે લેવામાં આવ્યો?
કપડા અને પગરખાં જેવી બુનિયાદી ચીજો પર જીએસટી દર વધારીને 12 ટકા કરવામાં આવ્યો તેની સામે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને કૈટે આ પ્રકારની મનમાની સામે દેશભરમાં મોટું આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
આ આંદોલનનું નેતૃત્વ કૈટ અંતર્ગત વેપારના બે મહત્ત્વપૂર્ણ વેપારી ઍસોસિયેશનનો દિલ્હી હિન્દુસ્તાની મર્કેન્ટાઇલ ઍસોસિયેશન અને ફેડરેશન અૉફ સુરત ટેક્સટાઈલ ઍસોસિયેશન (ફોસ્ટ) દ્વારા કરવામાં આવશે.
આ આંદોલનમાં ટેક્સટાઈલ અને ફૂટવૅર સિવાય તમામ પ્રકારના વેપારનાં વ્યાપારી સંગઠનો અને તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કારીગરો પણ સામેલ થશે. 
 શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, રોટી, કપડાં  અને મકાન જીવનની મૂળભૂત ચીજો છે, રોટી તો પહેલાંથી જ મોંઘી છે, મકાન ખરીદવાની સ્થિતિ આમઆદમીની નથી અને કપડાં જે આસાનીથી મળતાં હતાં તેને હવે જીએસટી કાઉન્સિલે મોંઘાં કરી દીધાં છે.
કૈટના મહાનગર ચૅરમૅન રમણીક છેડાએ જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, જીએસટીની ફિટમેંટ કમિટીએ સોનાની જ્વેલરી પર જીએસટી દર ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની ભલામણ કરી છે જેનાથી દેશમાં સોનાની જ્વેલરીના વેપાર પર ખરાબ પ્રભાવ પડશે અને સોનાની દાણચોરી પણ વધવાનો ભય છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer