આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દિલ્હીમાં મુખ્ય પ્રધાન દ્વારા રોડ શૉ

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દિલ્હીમાં મુખ્ય પ્રધાન દ્વારા રોડ શૉ
દસમી ગુજરાત ગ્લૉબલ વાઈબ્રન્ટ સમિટ પૂર્વે
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 25 : `આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે રોડ શૉનું આયોજન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરી, 2022ના રોજ આ સમિટનું ઉદ્ઘાટન કરશે.
પાછલા બે દાયકાથી ગુજરાતના અર્થતંત્રનો ઝડપથી વિકાસ થયો છે. સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધારે વિકાસ કરતું રાજ્ય છે અને વડા પ્રધાને 2020માં આપેલા `આત્મનિર્ભર ભારત'ના સૂત્રને રજૂ કરી દેશની ક્ષમતાનો પરિચય વિશ્વને આપ્યો છે. આ સૂત્રને આગળ વધારી `આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ની થીમ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે નક્કી કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
કચ્છમાં વિકસી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ સોલાર અને પવન ઊર્જા પાર્કના કારણે વર્ષ 2023 સુધીમાં ગુજરાત 30 ગીગા વૉટ ઊર્જાનો ઉમેરો દેશની સ્થાપિત ક્ષમતામાં કરી પહેલા ક્રમાંકનું રાજ્ય બનશે, એમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, સાહસિકો અને વિદેશી રોકાણકારોને 10મી વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રના પશુસંવર્ધન, ડેરી ઉદ્યોગ પ્રધાન પરસોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ મંત્રાલયના અતિરિક્ત મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સમિટ વિશે માર્ગદર્શન આપી તેમનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer