પરમબીર સિંહ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર

પરમબીર સિંહ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર
સાત કલાક થઈ પૂછપરછ
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : લાપત્તા થઈ ગયેલા મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ ગુરુવારે 232 દિવસ બાદ ચંડીગઢમાના અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા હતા અને મુંબઈમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. ક્રાઈમ બ્રાંચમાં ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફાઈલ થયેલા ખંડણીના કેશ વિશે સાત કલાક તેમની પૂછપરછ ચાલી હતી અને એ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. 
તેઓ ક્રાઈમ બ્રાંચના યુનિટ 11 સમક્ષ હાજર થયા હતા અને સાંજે 6.15 વાગે સત્તાવાર કારમાં ત્યાંથી રવાના થયા હતા. પૂછપરછ દરમિયાન પરમબીરે તેમની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. 
બીજી તરફ રાજ્ય સરકારે પરમબીરની પ્રોપર્ટી વિશેની યાદી પોલીસ પાસેથી મગાવી છે. સરકારે તેમની બેનામી પ્રોપર્ટી વિશે પણ માહિતી માગી છે. તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની હિલચાલ પણ સરકારે શરૂ કરી દીધી છે. 
ગુરુવારે ચંડીગઢથી મુંબઈ આવેલા પરમબીર સિંહે એરપોર્ટ પર કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હુ તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થઈશ. મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. 
પરમબીર સિહં સામે ખંડણીના કમસે કમ ત્રણ કેસ ફાઈલ થયા છે. અને ત્રણ બિન-જામીનપાત્ર વૉરન્ટ પણ નીકળ્યા છે. તેમની ભાળ મળતી ન હોવાથી તાજેતરમાં કોર્ટે તેમને ભાગેડૂ જાહેર કર્યા હતા. 
શુક્રવારે (આજે) તેઓ રાજ્ય સરકારે નીમેલા તપાસ પંચ સમક્ષ હાજર થાય એવી શક્યતા છે. 
ખંડણીના કેસ 
ગોરેગામ પાલીસે પરમબીર સામે ખંડણીનો જે કેસ નોંધ્યો છે એમાં ડિસમિસ પોલીસ અૉફિસર સચીન વાઝે પણ આરોપી છે. ખંડણીની આ ફરિયાદ બિમલ અગ્રવાલ નામના બીલ્ડરે નોંધાવી છે અને તેમણે ફરિયાદમાં કહ્યું છે કે પરમબીર સિંહ અને અન્ય આરોપીઓએ મારી પાસેથી પૈસા વસૂલ્યા હતા. 
ડેવલપર શ્યામસુંદર અગ્રવાલે મરીન લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ પરમબીર અને અન્ય આરોપી સામે નોંધાવી છે. 
પરમબીર અને અન્ય 28 જણ સામે જુલાઈમાં થાણે શહેર પોલીસે ખંડણીનો કેસ ફાઈલ કરેલો. આમાં છ પોલીસ અધિકારી પણ છે. બીલ્ડર કેતન તન્ના પાસેથી ખંડણી વસૂલવાનો તેમના પર આરોપ છે. આ છ પોલીસ અૉફિસરોમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા, ડીસીપી દીપક દેવરાજ, એસીપી એનટી કદમ અને ઈન્સ્પેકટર રાજકુમાર કોથમીરેનો સમાવેશ છે. ફરિયાદી કેતન તન્નાનું કહેવું છે કે પરમબીર જાન્યુઆરી 2018થી ફેબ્રુઆરી 2019 વચ્ચે થાણેના પોલીસ કમિશનર હતા ત્યારે આરોપીઓએ મારી પાસેથી સવા કરોડની રકમ પડાવી હતી. મને ખંડણી વિરોધી શાખામાં બોલાવી ખોટા ક્રિમિનલ કેસોમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી હતી.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer