કોરોના : આઇપીએલ મુંબઈમાં જ ?

મુંબઈ, તા. 9 : કોરોના મહામારીની ત્રીજી લેહરને લીધે પૂરી દુનિયા-દેશ પ્રભાવિત છે. ભારતમાં જ રોજના લગભગ એક લાખ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. પાછલાં બે વર્ષની આઇપીએલની સિઝન સંકટમાં રહે છે. 2020ની પૂરી સિઝન અને 2021ની અડધી સિઝન બીસીસીઆઇને આથી યુએઇમાં ખસેડવી પડી હતી. જો કે આ વખતે આઇપીએલની નવી સિઝન દેશમાં જ રમાડવાની યોજના તરફ બીસીસીઆઇ આગળ વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આઇપીએલની 15મી આઇપીએલ સિઝનનું પૂરેપૂરું આયોજન એક જ શહેર મુંબઈમાં ચુસ્ત બાયો બબલ અને ખાલી સ્ટેડિયમમાં કરવાની યોજના બીસીસીઆઇ બનાવી રહ્યું છે. આ વખતે આઈપીએલમાં 10 ટીમ હશે. જે મુંબઈના ત્રણ સ્ટેડિયમ વાનખેડે, સીસીઆઇ અને ડીવાય પાટીલમાં રમશે. બીસીસીઆઇ આઇપીએલની શરૂઆત 2 એપ્રિલના બદલે 25 માર્ચથી શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે. આથી દિવસના મેચની સંખ્યા ઓછી કરી શકાય. જો કે બીસીસીઆઇના આ યોજના કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો સ્થિતિ સુધરશે તો બીસીસીઆઈ ચાર કે પાંચ શહેરમાં આઇપીએલની નવી સિઝનનું આયોજન ઘડી કાઢશે. જો કે આ મામલે હજુ સુધી ક્રિકેટ બોર્ડે કોઇ સંકેત આપ્યો નથી.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust