બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ન્યૂ ઝીલૅન્ડના એક વિકેટે 349

બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ન્યૂ ઝીલૅન્ડના એક વિકેટે 349
લાથમ 186* અને કોન્વેના 99* રનથી 
ક્રાઇસ્ટચર્ચ, તા. 9 : કપ્તાન ટોમ લાથમની અણનમ સદી (186) અને ડ્વેન કોન્વે (અણનમ 99) સાથેની બીજી વિકેટની અતૂટ ભાગીદારીથી બાંગલાદેશ વિરુદ્ધના બીજા ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝિલેન્ડે સંગીન પ્રારંભ કરીને 1 વિકેટે 349 રન કર્યા હતા. પહેલા ટેસ્ટની આંચકારૂપ હારથી વ્યથિત કિવિઝ ટીમે આજે વાપસી કરીને બાંગલા બોલરોને જરા પણ મચક આપી ન હતી. આ પહેલા કપ્તાન લાથમે પહેલી વિકેટમાં વિલ યંગ (54) સાથે મળીને પહેલી વિકેટમાં 148 રનની શાનદાર ભાગીદારી કરી હતી.
કાર્યવાહક સુકાની ટોમ લાથમ પહેલા દિવસના અંતે 278 દડામાં 28 ચોક્કાથી 186 રને અને ડ્વેન કોન્વે 148 દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 99 રને અણનમ રહ્યા હતા. કોન્વે તેની સદીથી માત્ર એક રન જ દૂર છે જ્યારે લાથમ બેવડી સદીથી 14 રને છેટો છે. બાંગલાદેશ તરફથી આજની એકમાત્ર વિકેટ શરીફૂલ ઇસ્લામનાં નામે રહી હતી.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer