આફ્રિકા વિરુદ્ધ નિર્ણાયક ટેસ્ટ : ભારતીય ઇલેવનમાં ઇશાંત-ઉમેશ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ

આફ્રિકા વિરુદ્ધ નિર્ણાયક ટેસ્ટ : ભારતીય ઇલેવનમાં ઇશાંત-ઉમેશ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ
કેપટાઉન, તા. 9 : ત્રણ મેચની શ્રેણીના ત્રીજા અને આખરી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાને કેપટાઉન પહોંચીને તૈયારી આરંભી દીધી છે. બીજા ટેસ્ટમાં દ. આફ્રિકાએ જોહાનિસબર્ગની અસમાન ઉછાળવાળી પીચ પર ચોથી ઇનિંગમાં 240 રનનો પડકારરૂપ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરીને 7 વિકેટની જીતથી શ્રેણી 1-1થી બરાબર કરી છે. હવે બન્ને ટીમ વચ્ચે ફાઇનલ સમાન ત્રીજો મેચ મંગળવારથી રમાશે.
ત્રીજા અને નિર્ણાયક ટેસ્ટની ભારતની ઇલેવનમાં બે ફેરફાર નિશ્ચિત સમાન છે. કપ્તાન કોહલી વાપસી કરી રહ્યો છે. તે હવે લગભગ ફિટ છે. આથી તેના માટે પ્રતિભાશાળી હનુમા વિહારીએ જગ્યા કરવી પડશે જ્યારે ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ સ્નાયુ ખેંચાઈ જવાની ઇજાને લીધે કેપટાઉન ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આથી તેનાં સ્થાને બે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.
33 વર્ષીય ઇશાંત શર્મા પાસે 100 ટેસ્ટનો અને 34 વર્ષીય ઉમેશ યાદવ પાસે 51 ટેસ્ટનો અનુભવ છે. ટીમનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત પાછલા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી. આથી કોચ દ્રવિડ અને કપ્તાન કોહલી યાદવ પર પસંદગી ઉતારી શકે છે. બીજી તરફ ઇશાંતની હાઇટ તેના પક્ષમાં છે. તે 6 ફૂટ 3 ઇંચ ઉંચો છે. આથી કેપટાઉનની બાઉન્સી વિકેટ પર તે ગેમ ચેન્જર બની શકવાની ક્ષમતા ધરાવે છે. આફ્રિકાના બે બોલર માર્કો યાનસન અને ડુઆને ઓલિવિયર તેમની ઉંચાઈનો લાભ લઈ ચૂક્યા છે. આથી ભારતીય ટીમ માટે ઇશાંત કે ઉમેશ કોને તક આપવી તે ગડમથલ છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust