છેલ્લા દડા સુધીના રોમાંચ બાદ ઇંગ્લૅન્ડે ચોથી એશિઝ ટેસ્ટ ડ્રો કરી

છેલ્લા દડા સુધીના રોમાંચ બાદ ઇંગ્લૅન્ડે ચોથી એશિઝ ટેસ્ટ ડ્રો કરી
ઇંગ્લૅન્ડની આખરી વિકેટ અૉસ્ટ્રેલિયા પાડી શક્યું નહીં : 388 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડના નવ વિકેટે 270 રન
સિડની, તા. 9 : ઇંગ્લેન્ડના નીચેના ક્રમના બેટધરોની ઝાંખી થતાં પ્રકાશ વચ્ચે લડાયક બેટિંગ કરીને કાંગારૂ બોલરોનો મજબૂતીથી સામનો કરીને ચોથો એશિઝ ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. જેક લીચ (34 દડામાં 26 રન) સ્ટૂઅર્ટ બ્રોડ (35 દડામાં અણનમ 8 રન) અને જેમ્સ એન્ડરસને 6 દડા પસાર કરીને ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હારથી બચાવી લીધું છે. પાંચ મેચની એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ ચાલી રહ્યું છે. આજે ચોથા મેચના પાંચમા અને આખરી દિવસે સ્કોટ બોલેન્ડે 30 રનમાં 3, કપ્તાન પેટ કમિન્સે 80 રનમાં 2 અને નાથન લિયોને 28 રનમાં 2 વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાને જીત નજીક પહોંચાડી દીધું હતું, પણ કાંગારૂ ટીમ આખરી ઓવરમાં ઇંગ્લેન્ડની છેલ્લી વિકેટ પાડી શકી ન હતી. આથી મેચ રોમાંચક ડ્રો રહ્યો હતો. પૂંછડિયા બ્રોડ અને એન્ડરસને બે ઓવર સુધી ક્રિઝ પર ટકી રહીને ઇંગ્લેન્ડની ટીમને વધુ એક હારમાંથી ઉગારી લીધું હતી. 388 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડના 102 ઓવરમાં 9 વિકેટે 270 રન થયા હતા. પહેલા ત્રણ મેચની કારમી હાર બાદ ઇંગ્લેન્ડને વર્તમાન એશિઝ શ્રેણીમાં હારનો ક્રમ તોડયો છે.
ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં ઓલરાઉન્ડર બેન સ્ટોકસે 123 દડામાં 10 ચોકકા-1 છકકાથી 66 રન કર્યાં હતા. આ ઉપરાંત ઓપનર જેક ક્રાઉલીએ 100 દડામાં 13 ચોકકાની મદદથી આક્રમક અંદાજમાં 77 રન બનાવ્યા હતા. કપ્તાન જો રૂટ 24 રને આઉટ થયો હતો. જયારે પહેલા દાવમાં સદી કરનાર જોની બેયરસ્ટોએ 103 દડામાં 41 રનનું યોગદાન આપ્યું હતું. બાદમાં 85મી ઓવરમાં કમિન્સે જોસ બટલર (11) અને માર્ક વૂડ (0)ની વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાને જીત નજીક લાવી દીધું હતું, પણ છેલ્લા દડા સુધીના રોમાંચ સુધી ઇંગ્લેન્ડે તેની આખરી વિકેટ બચાવીને ચોથો મેચ ડ્રો કર્યોં હતે.
મેચની આખરી ઓવર ઓસ્ટ્રેલિયાના પાર્ટ ટાઇમ સ્પિનર સ્ટીવન સ્મિથે ફેંકી હતી. જેનો એન્ડરસને મજબૂતીથી સામનો કરીને મેચ ડ્રો કર્યોં હતો. આ તકે આખરી દડા પર ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સ્ટોકસે પેવેલિયનમાં ટી-શર્ટથી પોતાનું મોઢું છૂપાવી દીધું હતું. તે આખરી દડાનો રોમાંચ સહન કરી શકયો ન હતો.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust