રિલાયન્સે માગ્યા તેથી વધુ રકમનાં બૉન્ડ ભરવા વિદેશી રોકણકારો તત્પર

રિલાયન્સે  માગ્યા તેથી વધુ રકમનાં બૉન્ડ ભરવા વિદેશી રોકણકારો તત્પર
બૉન્ડનું રાટિંગ બહુ ઊંચું નથી
મુંબઈ, તા. 9 : વિદેશી રોકાણકારોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)માં એટલો ભરોસો છે કે તેણે માગ્યા તેથી વધુ રકમના બૉન્ડ ભરવાની તત્પરતા તેમણે બતાવી છે.  
રિલાયન્સે કોર્પોરેટ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી મોટો ડૉલરનો બૉન્ડ ભરણું કર્યું તો 11થી 12 અબજ ડૉલરની  બીડ મળી હતી. બજારની પરિભાષામાં  તેને ઓર્ડર બૂક કહે છે.  
રિલાયન્સના બૉન્ડની બીડ ભરનારામાં  પીઆઈએમસીઓ, ફિડિલિટી, બ્લેકરોક, ઇસ્ટપ્રિગ, એગ્રીકલ્ચર બૅન્ક અૉફ ચાઈના, મિઝુહો બેન્ક, સિંગાપોરની યુઓબી એસેટ મેનેજમેન્ટ, હૉંગકૉંગની બીએફએએમ ઓપોર્ચ્યુનિટીસ ફંડ અને ચાઈના લાઈફ ઇન્સ્યોરન્સનો સમાવેશ છે.  
રિલાયન્સે વિદેશી રોકાણકારો પાસેથી ત્રણથી પાંચ અબજ ડૉલરનું ભંડોળ મેળવવા માટે બુધવારે બોન્ડ ઇસ્યુ કર્યા હતાં. કોઈ ભારતીય કંપનીનો વિદેશમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો બૉન્ડ ઇસ્યુ છે. રિલાયન્સ આ બૉન્ડના નાણાં વડે દેવું ચૂકવશે અને થોડા નાણાંનું મૂડી રોકાણ પણકરશે.  
રિલાયન્સે ચાર અબજ ડૉલરનું સબક્રિપ્શન જાળવી રાખ્યું છે. આ બોન્ડસ ત્રણ પાકતી મુદતના છે, જેમાં 10 વર્ષ, 30 વર્ષ અને 40 વર્ષનો સમાવેશ છે.  
આ બૉન્ડની કિંમત  સમાન મુદતવાળી યુએસ ટ્રેઝરીની સરખામણીએ  અનુક્રમે 150 બીપીએસ, 190 બીપીએસ અને 205 બીપીએસના પ્રેડ મુજબ નક્કી કરાઈ હતી. અંતે 10 વર્ષ અને 30 વર્ષની શ્રેણી 30 બીપીએસ નીચા અને 40 વર્ષની સિક્યુરિટી 35 બીપીએસ નીચામાં વળતર નોંધાયા હતાં. 
કંપની પ્રવક્તાએ કહ્યું કે, ભંડોળનો ઉપયોગ વર્તમાન લોનને ચૂકતે કરવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી અગાઉ લીધેલા નાણાં પરત કરવા માટે થશે. 1.5 અબજ ડૉલરના 5.4 ટકાના વ્યાજ દરના બોન્ડસ ફેબ્રુઆરીમાં પાકી રહ્યાં છે. આ ઉપરાંત આવતા ત્રણ-ચાર મહિનામાં લોન ચૂકતે કરવાની છે.  
મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસે આરઆઈએલના અૉફશોર બોન્ડસને સ્થિર આઉટલૂક સાથે બીએએ2 રાટિંગ આપ્યું છે. સૌથી નીચા રોકાણ ગ્રેડ રેન્ક કરતાં એક ક્રમ ઊંચું રેટિંગ છે. મૂડી'સના એનલિસ્ટ શ્વેતા પાટડિયાએ કહ્યું કે, ડિજીટલ સર્વિસીસ અને રિટેલ બિઝનેસ દ્વારા ભારતીય અર્થતંત્ર ઉપર ઊંચી નિર્ભરતાએ તેના રેટિંગ ઉપર દબાણ લાવ્યું છે.  

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer