એપેરલની નિકાસ પહેલા ત્રણ ત્રિમાસિકમાં 35 ટકા વધી

એપેરલની નિકાસ પહેલા ત્રણ ત્રિમાસિકમાં 35 ટકા વધી
નવી દિલ્હી, તા. 9 : વસ્ત્રોની નિકાસ આ ત્રિમાસિકમાં નોંધપાત્ર વધી છે. વર્ષના પહેલા નવ મહિનામાં નિકાસ 35 ટકા વધીને 11.3 અબજ ડૉલરની થઈ હોવાનું એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઈપીસી) એ જણાવ્યું છે. એઈપીસીના ચૅરમૅન એ. સક્તિવેલે કહ્યું કે, પહેલા ત્રિમાસિકમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે સ્થાનિક સ્તરે નિયંત્રણો હોવા છતાં વસ્ત્રોની નિકાસ વધી છે. નિકાસકારોએ પડકારોનો સામનો ઘણી સારી રીતે કર્યો છે.  
વૈશ્વિક સ્તરે વસ્ત્રોના નિકાસકારો અને ખરીદદારોની ઓર્ડર-બુકમાં ઝડપી વૃદ્ધિ થઈ હતી. સરકારના સક્રિય સમર્થન અને મજબૂત માગને કારણે આવનારા મહિનાઓમાં વસ્ત્રોની નિકાસ નવી ટોચે પહોંચશે.  
વર્ષ 2020-21માં કોવિડ-19ની અડચણને કારણે વસ્ત્રોની નિકાસ 21 ટકા ઘટી હતી. કપાસના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે સમસ્યા સર્જાઈ હોવાની ફરિયાદ અનેકે કરી હતી. કોન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સિટી)ના મતે કપાસના ઊંચા ભાવ અને દેશમાં હલકી ગુણવત્તાના કપાસની ઉપલબ્ધિને કારણે આયાત ડ્યુટી દૂર કરવાની તાતી જરૂર છે. સપ્ટેમ્બર 2020માં કપાસના ભાવ 355 કિલોની એક ગુણી દીઠ રૂા. 37,000 હતા જે તે અૉક્ટોબર 2021માં વધીને રૂા. 60,000 થયા હતા. નવેમ્બર 2021માં રૂા. 64,500 અને રૂા. 67,000ની વચ્ચે ફંગોળાઈને 31 ડિસેમ્બર 2021માં રૂા. 70,000 થયા હતાં. સીટીએ ફાઈબર ઉપરની આયાત ડ્યૂટી દૂર કરવા વડા પ્રધાનને અનુરોધ કર્યો છે.  
માસિક ધોરણે નિકાસ ડિસેમ્બર 2021માં 37 ટકા વધીને 37.29 અબજ ડૉલરની થઈ છે. પહેલા ત્રણ ત્રિમાસિકમાં નિકાસ વિક્રમી 300 અબજ ડૉલરની થઈ છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer