આ વર્ષમાં આવી રહ્યાં છે રૂા. એક લાખ કરોડનાં આઈપીઓ

આ વર્ષમાં આવી રહ્યાં છે રૂા. એક લાખ કરોડનાં આઈપીઓ
મુંબઈ, તા. 9 : નવા વર્ષ 2022માં પણ વર્ષ 2021ની જેમ કંપનીઓ આઈપીઓ લાવવા પ્રાઈમરી માર્કેટમાં લાઈન લગાવશે. આવતા વર્ષે કંપનીઓના રૂા. એક લાખ કરોડથી વધુના આઈપીઓ આવી રહ્યા છે. 
પ્રાઈમ ડેટાબેઝના આંકડા પ્રમાણે વર્ષ 2021માં 63 કંપનીઓએ રૂા. 1.63 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ રકમ વર્ષ 2020માં 15 આઈપીઓ દ્વારા એકત્રિત થયેલા રૂા. 26,613 કરોડના ભંડોળથી સાડા ચાર ગણી અને વર્ષ 2017માં એકત્રિત રૂા. 68,827 કરોડથી બમણી છે. 
પ્રાઈમના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં અત્યાર સુધીમાં 35 કંપનીઓને આઈપીઓ લાવવા માટે નિયામકની મંજૂરી મળી છે. આ કંપનીઓ અંદાજે રૂા. 50,000 કરોડ એકત્ર કરશે. અન્ય 33 કંપનીઓ રૂા. 60,000 કરોડનું ભંડોળ મેળવવા માટે નિયામકની મંજૂરીની રાહ જોઈ રહી છે. આમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) અૉફ ઇન્ડિયાના આઈપીઓનો સમાવેશ નથી. 
સૂત્રોએ કહ્યું કે, આ સિવાય છથી વધુ કંપનીઓ આ મહિનાના અંત સુધીમાં આઈપીઓ માટે દસ્તાવેજો નોંધાવશે. આમાં ચાઈલ્ડ કેર હૉસ્પિટલ ચેઈન રેઈનો ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ્સ, એનાલિટિક્સ કંપની કોર્સફાઈવ ઇન્ટેલિજન્સ, ઍરપૉર્ટ લાઉન્જ અૉપરેટર ડ્રમિફોલ્ક્સ, ટીબીઓ ટ્રાવેલ, સીજેડાર્ક લોજિસ્ટિક્સ અને કેમ્પસ શૂઝનો સમાવેશ છે. ડિસેમ્બરમાં ફોક્સકોનની ભારતીય કંપની ભારત એફઆઈએચ લિ. અને સ્નેપડિલ સહિતની કંપનીઓએ સેબીમાં દસ્તાવેજ નોંધાવ્યા હતાં. આઈપીઓ લાવનારી અન્ય કંપનીઓમાં અદાણી વિલ્મર, ગો ઍરલાઈન્સ, ફાર્મઈઝી અને દિલ્હીવરીનો સમાવેશ છે. 
પ્રાઈમરી માર્કેટમાં આવનારા ભરણાંઓની સંખ્યા ઘણી વધારે છે ત્યારે વિદેશી કારણો નજીકના સમયમાં આવનારા આઈપીઓમાં સમસ્યા સર્જી શકે છે. 
પ્રાઈમ ડેટાબેઝના ચેરમેન પૃથ્વી હલ્દિયાએ કહ્યું કે, વધતા ફુગાવાને કારણે વ્યાજદરમાં વધારો થવાની ધારણા છે, પ્રવાહિતામાં ઘટાડો થઈ રહ્યો છે અને ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની અસર શૅરબજાર ઉપર કેવી થશે તે દરેક મુદ્દાઓ પ્રાઈમરી બજારને અસર કરશે. 
પ્રાઈમરી બજારમાં જે ઝડપથી નવી પેઢીની ટેક્નૉલૉજી કંપનીઓ જંગી ભંડોળ મેળવવા આવી રહી છે તેને કારણે બજાર નિયામકે તપાસ કડક બનાવી છે. આઈપીઓના નિયમોમાં કેટલાક ફેરફાર પણ થવાની ધારણા છે. 
એક અહેવાલ પ્રમાણે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) તેની આગામી બોર્ડ મિટીંગમાં જાહેર ભરણાની પ્રાઈસ બૅન્ડ વ્યાપક બનાવવા, એન્કર રોકાણકારોનો લોક-ઈન-પિરીયડ- વધારવા અને શૅર સેલમાં મહત્તમ રોકાણકારો વેચાણ કરી શકે તેના ઉપર મર્યાદા મૂકવા વિશે નિર્ણય લેશે. 
સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ નવી પેઢીની ટેક્નૉલૉજી કંપનીઓને તેમના જાહેર ભરણાની પ્રાઈસિંગ વિશે સ્પષ્ટતા વિશેનો મુદ્દો રજૂ કર્યો હતો. ત્યાગીએ કહ્યું હતું કે, પ્રાઈસિંગનો મુદ્દો જટિલ છે. દસ્તાવેજમાં તે વિશે વધુ સ્પષ્ટતા માગવાનો વિચાર સારો છે. નવી ટેક્નૉલૉજી કંપનીઓ ખાસ કરીને જે ખોટ કરી રહી છે તેમનું મૂડી માળખું જુદું હોય છે તે વિશે વિગતો હોવી જોઈએ. જોકે, સેબી કંપનીઓના મૂલ્યાંકન વિશે અભિપ્રાય આપતી નથી.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust