આ સપ્તાહે શૅરબજારની ચાલ કેવી રહેશે?

આ સપ્તાહે શૅરબજારની ચાલ કેવી રહેશે?
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સાપ્તાહિક ધોરણે સેન્સેક્ષ 2.5 ટકા અને નિફ્ટી 2.6 ટકા વધ્યો હતો. શુક્રવારે  તોફાની વધઘટની વચ્ચે બૅન્ક, મેટલ, એફએમસીજી અને ઓઈલ-ગૅસ શૅર્સમાં લેવાલીના ટેકે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો વધારે બંધ રહ્યા હતા. મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે બજારમાં વેચવાલીનું દબાણ હતું પરંતુ સત્રના છેલ્લા કલાકે લેવાલીનું જોર રહ્યું હતું. સત્રના અંતે સેન્સેક્ષ 142.81 પોઈન્ટ્સ (0.24 ટકા) વધીને 59,744.65ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 66.80 પોઈન્ટ્સ (0.38 ટકા) વધીને 17,812.70ના સ્તરે બંધ રહ્યો હતો. રોકાણકારોને પ્રશ્ન એ છે કે શૅર બજારની તેજી આ સપ્તાહે યથાવત્ રહેશે કે નહીં?
કંપનીઓ અને બૅન્કોના ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થશે. અહેવાલો છે કે બૅન્કો અને આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામ સારા આવી શકે છે. ગત સપ્તાહ દરમિયાન પણ બૅન્ક નિફ્ટીની પકડ બજારમાં સારી હતી. 
ટેકનિકલ દૃષ્ટિએ જોતા નિફ્ટી50 સૂચકાંક ગત સત્રમાં સકારાત્મક સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં સ્પિનિંગ ટોપ પેટર્ન ઉભી થઈ છે. ક્ષેત્રવાર સૂચકાંકોમાં બૅન્ક નિફ્ટી ટોચ ઉપર રહ્યો હતો. આગામી સપ્તાહમાં રોકાણકારોની નજર ત્રિમાસિક નાણાકીય પરિણામો ઉપર અને અમેરિકા અને ચીનના ફુગાવાના આંકડા ઉપર રહેશે. ફુગાવાના આંકડા જાહેર થયા બાદ વૈશ્વિક શૅર બજારોની ચાલ નક્કી થશે.  અપેક્ષા કરતા વધુ ફુગાવો વધશે તો કેન્દ્રિય બૅન્કોએ નાણાકીય નીતિ કડક કરવી પડશે. દરમિયાન અમેરિકાના જોબ ડેટા પણ નબળા આવતા વૈશ્વિક સેન્ટિમેન્ટ ખોરવાયુ છે. શુક્રવારે સત્રના અંતે બેન્ચમાર્ક ક્રૂડ તેલ વાયદા ઘટયા હતા, જ્યારે ગૅસની અછત સર્જાવાની ચિંતાએ નેચરલ ગૅસ વાયદામાં ઉછાળો આવ્યો હતો.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust