કોરોના : બિન-સંક્રમિતો અને સંક્રમિતો એ બંનેની ઊંઘ હરામ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : કોરોના સંક્રમણના લક્ષણો ધરાવતા અને નહીં ધરાવતા અનેક લોકોની ઊંઘ કોરોનાએ વેરણ કરી છે. કોરોના સંક્રમણ અગાઉ જેટલું ઊગ્ર નહીં હોવા છતાં ઊંઘ નહીં આવવાની ફરિયાદોમાં 20 ટકા જેટલો વધારો થયો હોવાનું તબીબી તજજ્ઞોએ જણાવ્યું છે. આ ફરિયાદો ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક આરોગ્ય સાથે પણ સંકળાયેલી હોય છે, આથી તાણમુક્ત રહેવાની સલાહ પણ ડૉક્ટરો આપી રહ્યા છે. 
કોરોનાગ્રસ્તોની સારવાર કરનારા ડૉ. દિપક વૈદ્યએ જણાવ્યું હતું કે, 50 ટકા દર્દીઓ ઊંઘ સંબંધિત વિવિધ પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે. ગળામાં દુખાવો, શરદી, તાવ અને માથાનો દુખાવો ઉપરાંત ઊંઘ નહીં આવવાની ફરિયાદ વિવિધ વય જૂથના દર્દીઓએ કરી છે. સંસર્ગજન્ય રોગોના તજજ્ઞ ડૉ. અશોક મોરેએ જણાવ્યું હતું કે, આ પ્રકારના સંક્રમણમાં ઘણો થાક લાગે છે. ચાલતી વખતે પણ તકલીફ થાય છે, ભૂખ લાગતી નથી. પૂરતી ઊંઘ ન મળવાથી વ્યક્તિ વારંવાર ગુસ્સે થઈ જાય છે. વધતી જતી તાણને લીધે માથું દુખવું અને છાતીમાં ધડધડ થવા જેવા લક્ષણો વધે છે. પરિણામે ઊંઘ આવતી નહીં હોવાનું જોવા મળ્યું છે. આવા દર્દીઓનું કાઉન્સાલિંગ કરવું જરૂરી હોય છે, પરંતુ વર્તમાનમાં દર્દીઓની વધતી જતી સંખ્યાને લીધે કરી શકાતું નથી. ફેમિલી ડૉક્ટરો અને અન્ય આરોગ્ય વ્યવસ્થા પર બોજો વધ્યો છે. ડૉ. અવિનાશ ભાંડવેએ જણાવ્યું હતું કે, વાયરલ બીમારીઓમાં સામાન્ય રીતે ઊંઘ પર અસર થતી નથી. કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાથી સામાન્યજનોમાં બેચેની વધી છે. એને કારણે પણ ઊંઘ ન આવવાની ફરિયાદો વધી હોવાનું દેખાઈ રહ્યું છે. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer