શિવસેનાની મુંબઈ અને થાણેમાં નવલોહિયા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની હિલચાલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રમાં આગામી ટૂંક સમયમાં કેટલાંય શહેરોમાં પાલિકાની ચૂંટણી યોજાવાની છે. શિવસેનાના ટોચનાં સૂત્રોએ સંકેતો આપ્યા છે કે અનેક પાલિકાઓમાં લગભગ અડધોઅડધ નગરસેવકોને ઉમેદવારી નકારવામાં આવી શકે છે.
શિવસેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શિવસેનાના સંગઠનમાં ચેતના આણવા અને નવલોહિયા નેતાઓને આગળ લાવવા માટે યુવાનેતા આદિત્ય ઠાકરેએ આ મતલબનો પ્રસ્તાવ પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો છે. આ પ્રસ્તાવને ઉદ્ધવ ઠાકરે મંજૂર કરે છે કે કેમ તે જોવાનું છે.
શિવસેનાના યુવાન નેતા અને મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે ઇચ્છે કે મુંબઈ અને થાણેના કમસે કમ અડધોઅડધ નગરસેવકો 50 વર્ષ કરતાં ઓછી વયના હોવા જોઈએ. શિવસેનાનું નોંધપાત્ર વર્ચસ છે એવા મુંબઈ અને થાણેમાં આ પ્રયોગ થઈ શકે છે એમ શિવસેનાના નેતાઓ માને છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી થોડા માસમાં મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ, થાણે, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયંદર, પનવેલ, ઉલ્હાસનગર, સોલાપુર, નાશિક, માલેગાવ, નાગપુર અને અકોલા પાલિકાની ચૂંટણી યોજાવાની છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer