અમેરિકામાં નોકરી કરતાં યુવકે મંગેતર પર બ્લૅકમેલ કરવાનો આરોપ લગાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : વર્સોવા પોલીસે અંધેરી મૅટ્રોપોલિટન કોર્ટના આદેશ પર ચાર લોકોની વિરુદ્ધ આઈપીસીની કલમ 389, 385, 504, 506 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓમાં એક યુવતી ફરિયાદી મહિલા કલ્પના બોરકર (66)ની ભાવિ વહુ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે કલ્પના મિલિંદ બોરકરની મા છે. મિલિંદ 2007થી અમેરિકામાં નોકરી કરે છે. 2019માં મિલિંદે એક મૅટ્રોપોનિયલ સાઈટની મદદથી પુણેની નિવાસી પલ્લવી ગાયકવાડને પસંદ કરીને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. સંબંધીઓની હાજરીમાં 2 જૂન, 2019ના મિલિંદ અને પલ્લવીની સગાઈ પણ થઈ ગઈ હતી. મિલિંદની માએ પોલીસને જણાવ્યું હતું કે, સગાઈના થોડા સમય બાદ મિલિંદને એવી ખબર પડી હતી કે, પલ્લવીનું અન્ય કોઈની સાથે ચક્કર ચાલતું હતું. પલ્લવીનાં મોબાઈલમાં મિલિંદે આ સંબંધના કેટલાક ફોટા પણ જોયા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે અણબનાવ થયો હતો અને સગાઈ તોડી નાખવામાં આવી હતી.
સગાઈ તૂટયા બાદ પલ્લવી ગાયકવાડ પરિવારજનોએ મિલિંદના પરિવાર પાસેથી રૂપિયા 25 લાખની માંગણી કરી હતી અને આ રકમ નહીં મળતાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
પલ્લવીને બદનામ કરવામાં આવતી હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કરીને પિંપરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
મિલિંદે પોતાના પર લાગેલા આરોપોને પડકારતાં અંધેરી મૅટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં અને અમેરિકાનો સાનફ્રાન્સિસ્કો સુપિરિયડ કોર્ટમાં અરજી કરીને આ સંબંધમાં તમામ તસવીરો, વીડિયો અને અન્ય સામગ્રી પુરાવા તરીકે રજૂ કરી હતી. આ તથ્યોના આધાર પર 3 ડિસેમ્બરના અંધેરી કોર્ટે વર્સોવા પોલીસને ગાયકવાડ પરિવારની વિરુદ્ધ કેસ કરીને તેની તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપવાનો હુકમ કર્યો હતો.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer