અૉગસ્ટ ક્રાંતિ મેદાનથી મણિ ભવન સુધી બનશે `સ્વાતંત્ર્ય માર્ગ''

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : વર્ષ 1942ના `સ્વાતંત્ર્ય સંગ્રામમાં' મહાત્મા ગાંધીએ `િહન્દ છોડો' આંદોલનની મશાલ પ્રગટાવી હતી. એ અૉગસ્ટક્રાંતિ મેદાનથી મણિભવન સુધીના માર્ગનો `સ્વાતંત્ર માર્ગ' કોરિડોર તરીકે વિકાસ કરવામાં આવશે. આ બંને ઐતિહાસિક અને રાજકીય મહત્વ ધરાવતા સ્થળોને જોડવા માટે આ માર્ગના રસ્તા, ફુટપાથ અને અન્ય સુવિધાઓનું સુશોભિકરણ કરવામાં આવશે. 
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરના વિવિધ સ્થળે નવા પ્રકલ્પ પર સાકાર થઇ રહ્યા છે. સ્વાતંત્ર્ય ચળવળમાં મુંબઈ મહત્વનું રાજકીય કેન્દ્ર હતું. એ ધ્યાનમાં રાખીને મુંબઈ પાલિકા અને રાજ્ય સરકારે ગ્રાન્ટ રોડસ્થિત ગોવાલિયા ટેંક પરિસરના અૉગસ્ટક્રાંતિ મેદાનનું સુશોભિકરણ કરવાનું નક્કી કર્યું છે.
અૉગસ્ટક્રાંતિ મેદાનની બહાર પાલિકાનું પાર્કિંગ, કેટલીક દુકાનો, બસ સ્ટોપ અને અન્ય કેટલાક બાંધકામ હોવાથી બહારથી મેદાનનો જરા પણ ભાગ દેખાતો નથી. પાલિકા મેદાન બહારના તમામ અવરોધ હટાવશે. ત્યારબાદ મેદાનથી ગામદેવીમાં લેબરમ માર્ગ પરના મણિભવન સુધીના રસ્તા અને ફૂટપાથનું સુશોભીકરણ કરવામાં આવશે. આ બંને સ્થળ હેરિટેજમાં આવતા હોવાથી એને શોભે એ રીતે કામ કરવામાં આવશે અને આ માર્ગને 'સ્વાતંત્ર્ય માર્ગ' નામ અપાશે. 
ગોવાલિયા ટેંકથી મણિભવન માર્ગની બાજુની ગલીમાં આવેલી મુંબઈની મહિલાઓની પ્રથમ પંડિતા રમાબાઈ હૉસ્ટેલ અને આર્ય સમાજ હૉસ્ટેલને પણ સ્વાતંત્ર માર્ગમાં સામેલ કરાશે. ઇમારતોની ઐતિહાસીક માહિતી બોર્ડ પર રજૂ કરાશે. ઠેકઠેકાણે સ્કાનિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તેથી આ ભાગની સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધિત તમામ રાજકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી પર્યટકોને ઉપલબ્ધ થશે. આ કામની રૂપરેખા મંજૂર થયા બાદ તરત જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. 
મેદાનમાં બનશે મેમોરિયલ વૉલ 
અૉગસ્ટક્રાંતિ મેદાન, 1942ની સ્વાતંત્ર્ય ચળવળનું પ્રેરણા સ્થાન છે,  રાજ્ય સરકાર આ મેદાનનું નૂતનીકરણ કરવાની છે. પાલિકાનું કામ પૂરું થયા બાદ આ કામ શરૂ કરાશે. 1942ની લડતમાં સહભાગી અને શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકોનું સ્મારક `મેમોરિયલ વૉલ' તૈયાર કરીને એના પર તેમના નામ કોતરવામાં આવશે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer