કાર્યવાહીના ડરથી અભિનેત્રીની આત્મહત્યા : પાંચની ધરપકડ

મુંબઈ, તા.9 : અંબોલી પોલીસે 28 વર્ષીય ભોજપુરી અભિનેત્રીએ જોગેશ્વરી (પશ્ચિમ)માંના ભાડાનાં ઘરમાં 23મી ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી. એ મામલે પાંચ જણની ધરપકડ કરી છે. અંબોલી પોલીસે અગાઉ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના બનાવટી અધિકારી એવા સૂરજ પરદેશી (32) અને પ્રવીણ વળિંબે (28) એમ બે જણની ભારતીય દંડ સંહિતાની કલમ 306, 170, 420, 344, 388, 389, 506, 120 (બી) હેઠળ 25મી ડિસેમ્બરે ધરપકડ કર્યા બાદ અન્ય ત્રણ આરોપીઓ પ્રેમ યાદવ, આસીર કાઝી અને નોફેલ રોહેની શનિવારે ધરપકડ કરી હતી. 
પોલીસ અનુસાર સાંતાક્રુઝ (પશ્ચિમ)ની હૉટેલમાં રેવ પાર્ટીમાં પરદેશી અને વળિંબે એનસીબી અધિકારી બનીને પહોંચી ગયા હતા અને અભિનેત્રી પાસે બંનેએ રૂા.20 લાખની ખંડણી માગી હતી.  માનસિક ત્રાસથી કંટાળીને 28 વર્ષીય ભોજપુરી અભિનેત્રીએ 23મી ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી. આ પાર્ટીમાં સામેલ અભિનેત્રીનો મિત્ર અસીર કાઝી ખંડણી રેકેટનો ભાગ હતો. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust