કોવિડની સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સના ભારે વેચાણે ચિંતા ઊભી કરી

સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સ ઉપર બંધી લદાશે
મુંબઈ, તા. 9 : છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં એક જ કંપનીની પાંચ લાખથી વધુ સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સનું વેચાણ થતાં ઓમિક્રોનની આ લહેરમાં ઘરે જ ટેસ્ટ કરાવવાની માંગ વધી છે, પરંતુ સાથે સાથે એવી પણ ચિંતા ઊભી થઈ છે કે, મુંબઈમાં ઓમિક્રોનના કેસ ઓછા બતાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. કારણ કે સેલ્ફ ટેસ્ટિંગના બહુ જ ઓછા પરિણામોની જાણકારી  આપવામાં આવી રહી છે.
મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે, સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સના પરિણામમાં 100 ટકા ચોકસાઈ હોતી નથી. તેથી તેનું પરિણામ મેળવ્યા પછી લોકો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જતા નથી. તેથી અમે તેના વેચાણ ઉપર બંધી લાદવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, એમ મેયરે ઉમેર્યું હતું. 
સેલ્ફ ટેસ્ટિંગની શહેરમાં કોવિડના નિદાન માટે માંગ વધી રહી છે અને ઘણાં લોકો ભરોસાપાત્ર એવી આરટી-પીસીઆરને બદલે સેલ્ફ ટેસ્ટ પસંદ કરી રહ્યાં છે. આરટી-પીસીઆરના રીઝલ્ટને આવતા 48થી 72 કલાક લાગી જતાં હોવાથી ઘણાં ડૉક્ટરો પણ સેલ્ફ ટેસ્ટિંગની ભલામણ કરતા હોય છે અને ઓમિક્રોનના સંક્રમણનો ગાળો ટૂંકો હોવાથી આરટી-પીસીઆરના પરિણામ માટે રાહ જોવાનું નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. સેલ્ફ ટેસ્ટિંગનું પરિણામ જલ્દી મળી જતું હોવાથી પોઝિટિવ આવેલો દર્દી તરત જ પોતાને અન્યોથી અલગ કરી શકે છે, એમ નિષ્ણાતો જણાવે છે. `કોવિસેલ્ફ'નું ઉત્પાદન કરતા માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સે જણાવ્યું હતું કે, તેમણે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં પાંચ લાખ કિટ્સનું વેચાણ કર્યું હતું. કંપની આ કિટનું રૂપિયા 250માં વેચાણ કરે છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer