વિધાનસભા ચૂંટણીઓમાં ઈ-વોટિંગ માટે ચૂંટણી પંચ સમક્ષ `કૈટ''ની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : પાંચ રાજ્યોમાં વિધાનસભામાં આગામી ચૂંટણીઓ સંબંધમાં ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત માટે ચૂંટણી પંચની પ્રશંસા કરતા કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ આજે ઈ-વોટિંગની માગણી કરી હતી. કોરોનાના ખતરાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં લોકો ઘરેથી જ ઈ-મતદાન કરી શકે એવી વ્યવસ્થા ચૂંટણી પંચે ઊભી કરવી જોઈએ એમ કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને પત્ર પાઠવ્યો હતો અને અૉનલાઇન પ્રણાલીના માધ્યમથી ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્રક ભરી શકે એવી સ્વતંત્રતા આપવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી.
શંકર ઠક્કરે ચૂંટણી પંચને ઈ-વોટિંગ પ્રણાલી શરૂ કરવાનું સૂચન કર્યું હતું. કૈટના મહાનગર મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે કોવિડ-મહામારી વધી રહી છે અને આવા વિકટ સમયમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી યોજવાનો પડકાર છે. એટલે આવા સમયમાં ઈ-વોટિંગ જો ઉપલબ્ધ કરવામાં આવે તો તે ચૂંટણી પંચનું એક મહત્ત્વનું કદમ બની રહેશે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer