ભાયંદરમાં મેટ્રો-નવના પ્રકલ્પના કારશેડનો વિવાદ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : પશ્ચિમ રેલવેએ દહીસર, મીરા-ભાયંદર મેટ્રો-9 પ્રોજેક્ટ માટે ભાયંદર (પશ્ચિમ)માં કારશેડ બાંધવાની તૈયારી શરૂ કરી છે. પરંતુ ગ્રામજનોએ કારશેડ માટે જગ્યા ફાળવવા સહિત મેટ્રો માર્ગ માટે રસ્તો પહોળો કરવા પણ વિરોધ દર્શાવ્યો છે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો, એવી માગણી કરી છે. આથી આગામી દિવસોમાં મેટ્રો કારશેડ પરથી મડાગાંઠ સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. 
મેટ્રો-9નું કામ પ્રગતિ પર છે. અગાઉ ભાયંદર (પશ્ચિમ)માં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાનને મેટ્રોનું અંતિમ સ્ટેશન નક્કી કરાયું હતું. પરંતુ કારશેડ તૈયાર કરવાની દ્રષ્ટિથી રાઈ ગામ સુધી એનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મેટ્રો કારશેડ માટે રાઈ ગામની 32 હેક્ટર જમીન આરક્ષિત કરવામાં આવી છે અને તે હસ્તાંતરિત કરવામાં આવશે. અગાઉ મેટ્રો કારશેડ માટેનો માર્ગ મીઠાના અગરની જમીન પર તૈયાર કરવાનો હતો. પરંતુ એ માટે 
કેન્દ્રીય પ્રધાનમંડળની પરવાનગી લેવામાં સમય જાય એમ હોવાથી રાઈ ગામથી મેટ્રો કારશેડ એવો માર્ગ તૈયાર કરવાનો એમએમઆરડીએનો વિચાર છે. 
ભૂમિપુત્ર સામાજિક સમન્વય સંસ્થાના અધ્યક્ષ અશોક પાટીલે જણાવ્યું હતું કે, રસ્તો પહોળો કરવાના કામને લીધે અનેક ગ્રામજનોના ઘરને અસર થવાની હોવાથી અગાઉ પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મેટ્રો કારશેડ માટે ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેવાયા નહોતા. 
એમએમઆરડીએના એક્ઝિકયુટીવ એન્જિનિયર યોજના પાટીલે જણાવ્યું હતું કે, કારશેડ તૈયાર કરવા માટે ઓછામાં ઓછી જગ્યાનો ઉપયોગ કરવાનો અમારો પ્રયત્ન હશે. ગામજનોને વિશ્વાસમાં લઈને વહેલી તકે સમસ્યાનો નિવેડો લાવવા માટે બેઠક યોજવામાં આવશે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer