મુંબઈમાંથી કોરોના કેસ સહેજ ઘટયા, 19,474 નવા કેસ મળ્યા

મુંબઈમાંથી કોરોના કેસ સહેજ ઘટયા, 19,474 નવા કેસ મળ્યા
થાણે શહેરમાંથી 2805 અને નવી મુંબઈમાં 2759 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : રવિવારે મુંબઈમાંથી કોરોનાના 19,474 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,14,572 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1,17,437 દરદીઓ સારવાર લઈ રહ્યાં છે. જે નવા દરદી મળ્યાં હતાં એમાંથી માત્ર 1240 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 
શનિવારે મુંબઈમાંથી 20,318, શુક્રવારે 20,971, ગુરુવારે 20,181, બુધવારે 15,166 અને મંગળવારે 10,860 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં સાત કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,406 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8063 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,78,119 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 85 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 41 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.66 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 123 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા 17ની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 68,249 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,42,03,805 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 34,960 બૅડમાંથી અત્યારે માત્ર 7432 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 21.30 ટકા ખાટલા દરદીથી ભરેલા છે. રવિવારે મળેલા નવા દરદીમાંથી 118 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 15,969 (82 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મુંબઈમાં કોરોના સૂરે સતત ત્રણ દિવસ સુધી 20,000 કરતાં વધુ દરદીઓને સકંજામાં લેવાની `હેટટ્રીક' કરી છે. જોકે, આજે હવે કોરોના સંક્રમિતોની નવા કેસોની સંખ્યા સહેજ ઘટીને 19474 થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 44,388 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી રવિવારે કોરોનાના નવા 44,388 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 69,20,044 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,02,259 દરદી સારવાર હેઠળ છે. 
શનિવારે રાજ્યમાંથી 41,434, શુક્રવારે 40,925, ગુરુવારે 36,265, બુધવારે 26,538 અને મંગળવારે 18,466 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,639 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 2.04 ટકા છે.   
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15,351 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 65,72,432 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 94.98 ટકા છે. 
રાજ્યમાં 10,76,996 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 2614 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,05,45,105 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 69,20,044 ટેસ્ટ (9.80 ટકા) પોઝિટિવ આવી છે. 
રાજ્યમાં સારવાર હેઠળના સૌથી વધુ પેશન્ટસ મુંબઈમાં છે. મુંબઈમાં 1,17,437, થાણે જિલ્લામાં 38,105, પુણેમાં 18,857, રાયગઢ જિલ્લામાં 6486, પાલઘર જિલ્લામાં 6381, નાશિકમાં 3550 અને અહમદનગરમાં 1093 દરદી સારવાર હેઠળ છે. હિંગોલી જિલ્લામાં સૌથી ઓછા એટલે કે 36 દરદી સારવાર હેઠળ છે. 
રવિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 1001 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 2805 નવા દરદી મળ્યાં હતાં. 
નવી મુંબઈમાંથી 2759, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 1736, ઉલ્હાસનગરમાંથી 267, ભિવંડી-નિઝામપુરમાંથી 128, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 1278, પાલઘર જિલ્લામાંથી 342, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 1348, રાયગઢ જિલ્લામાંથી 746 અને પનવેલ શહેરમાંથી 1415 નવા કેસ મળ્યા હતા. 
મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી રવિવારે કુલ 33,299  નવા કેસ મળ્યા હતા. શનિવારે આ વિસ્તારમાંથી 33,134 નવા કેસ મળેલા. 
પુણે શહેરમાંથી 4065 જ્યારે પિંપરી-ચિંચવડ પાલિકાની હદમાંથી 1532 કેસ મળ્યા હતા. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust