ઊર્જિત પટેલ ચીન રહેવા જશે

ઊર્જિત પટેલ ચીન રહેવા જશે
એઆઇઆઇબીના ઉપાધ્યક્ષપદે નિયુક્તિ
બેજિંગ, તા. 9 : ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલ (ઉ.વ.58) હવે ચીન રહેવા જશે. બેજિંગ તેમનું નવું ઠેકાણું રહેશે. અનેક દેશોમાં કાર્યરત નાણાકીય સંસ્થાન એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઇઆઇબી)ના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ 3 વર્ષ માટે કરવામાં આવી છે. આ બેંકનું વડુ મથક બેજિંગમાં છે અને તેના પ્રમુખ ચીનના પૂર્વ ના.નાણામંત્રી જિન લિક્યુન છે.
બેંકિંગ સૂત્રો અનુસાર ઉર્જિત પટેલ સંભવત આવતા મહિને ચાર્જ સંભાળશે. તેઓ નિવૃત્ત થઈ રહેલા ડીજે પાંડિયનનું સ્થાન લેશે. આ બેંકના પાંચ ઉપાધ્યક્ષમાં એક પટેલ રહેશે. પાંડિયન અગાઉ ગુજરાતમાં મુખ્ય સચિવ રહી ચૂક્યા છે અને આવતાં મહિને તેઓ ભારત પરત ફરે તેવી સંભાવના છે. ઉર્જિત પટેલની આ બેંકમાં નિયુક્તિ મહત્ત્વની છે કારણ કે ભારત પોતાની 28 પરિયોજનાઓ માટે આ બેંક પાસેથી 6.7 અબજ ડોલરની આર્થિક મદદ મેળવી રહ્યું છે. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer